Ahmedabad Airport Police Caught 2 Crore Drugs: ગુજરાતમાંથી યુવતીને વિયેતનામ અને થાઇલેન્ડ જેવા દેશોમાં ફરવા મોકલીને તેમની પાસેથી હાઈબ્રિડ ગાંજા સહિત અન્ય ડ્રગ્સ મંગાવવાના કૌભાંડનો એરપોર્ટ પોલીસે પર્દાફાશ કર્યો છે. અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થાઈલેન્ડથી બે કરોડ રૂપિયાની કિંમતના સાત કિલો હાઈબ્રિડ ગાંજાના જથ્થા સાથે એક યુવતી સહિત સાત લોકોની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, યુવતી અશરફખાન નામના પ્રેમી માટે કામ કરતી હોવાથી તે થાઈલેન્ડથી આવેલા જૂનાગઢના ચાર યુવકો પાસેથી ડ્રગ્સનો જથ્થો લેવા માટે આવી હતી. ઝડપાયેલા ચારેય આરોપીઓ થાઈલેન્ડથી અગાઉ ત્રણ વખત કરોડો રૂપિયાનો ગાંજો લઈને આવ્યા હતાં. આ ગુનામાં એરપોર્ટના કર્મચારીઓની સંડોવણીના આધારે પોલીસે સમગ્ર કેસની તપાસ હાથ ધરી છે.
એરપોર્ટ પોલીસને મળી હતી બાતમી
એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.જી ખાંભલા અને તેમના સ્ટાફને બાતમી મળી હતી કે, અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટથી કેટલાંક શખસો નિયમિત રીતે ડ્રગ્સની હેરફેર કરે છે. જેમાં ચોક્કસ ગેંગ કામ કરી રહી છે. આ બાતમીને આધારે પોલીસે ઈન્ટરનેશનલ એરપોર્ટ ટર્મીનલ-2 પર વોચ ગોઠવી હતી. જેમાં ચાર શંકાસ્પદ યુવકો રીક્ષામાં આવેલી એક યુવતીને બેગ આપી રહ્યા હતાં, ત્યારે પોલીસે ચાર યુવકો અને યુવતી સહિત સાત લોકોને ઝડપી લીધાં હતાં. પોલીસે તપાસ કરતા બેગમાંથી રૂપિયા બે કરોડની કિંમતનો સાત કિલો જેટલો હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો.
આ પણ વાંચોઃ ફટાકડાના જથ્થાબંધ બન્ને વેપારીને ત્યાંથી પોણા બે કરોડની કરચોરી ઝડપાઈ
તપાસ દરમિયાન પૂછપરછ કરતાં ચારેય યુવકોના આરોપીની ઓળખ જૂનાગઢના રહેવાસી સરફરાઝ ઈકબાલ, માંગરોળના રહેવાસી શોયેબ યુસુફ મુસ્લિમ, કેશોદના રહેવાસી આંકેલ કોલોદ અને અમદાવાદના રહેવાસી નદીમ અમરેલીયા હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે યુવતીનું નામ ગાંધીનગરની મનીષા ખરાડી અને અન્ય નામ જામનગરનો મોહંમદ ફરહાન શેખ અને અમદાવાદનો સહેજ તૈયબ હોવાનું જાણવા મળ્યું હતું.
આ રીતે સમગ્ર ગુનાખોરીને અપાતો અંજામ
આ વિશે વધુ માહિતી આપતા ડીસીપી ઝોન-4 ડૉ. કાનન દેસાઈએ જણાવ્યું કે, મનીષા નામની યુવતી અશરફ ખાન નામના યુવકના પ્રેમમાં હતી અને તેના માટે કામ કરતી હતી. અશરફ થાઈલેન્ડ અને વિયેતનામથી ડ્રગ્સ મંગાવવાનું કામ કરતો હતો. આ માટે તે ચોક્કસ યુવકોને થાઈલેન્ડ ફરવા જવા માટે એર ટિકિટ, હોટલની વ્યવસ્થા કરી આપવાની સાથે યુવકને ટ્રીપ દીઠ 10 હજાર રૂપિયા પણ આપતો હતો. થાઈલેન્ડ મોકલવા માટે યુવકોની પસંદગી કરવાનું કામ મોહંમદ શેખ કરતો હતો. જ્યારે યુવકો થાઈલેન્ડથી ફરીને ડ્રગ્સ સાથે અમદાવાદ એરપોર્ટ પર આવતા ત્યારે મનીષા ડ્રગ્સની ડિલિવરી લઈ અશરફ ખાનને આપી દેતી. જેની બદલે અશરફ 6 હજાર રૂપિયા ચુકવતો.
મુખ્ય આરોપી ફરાર
મહત્ત્વની વાત એ છે કે, ગાંજો મંગાવનાર અશરફ ઉર્ફે સમીર શેખ વોન્ટેડ છે. વોન્ટેડ આરોપી અશરફ તેની પ્રેમિકા મનીષા ખરાડીને લઈ એરપોર્ટ ગાંજો લેવા પહોંચ્યો હતો. ગાંજો ભરેલી બેગ આરોપી પાસેથી લેવા માટે 6 હજાર પ્રેમિકા મનીષાને અશરફ આપતો હતો.પોલીસે અત્યારે મનીષાની પણ ધરપકડ કરી લીધી છે.
આ પણ વાંચોઃ દિવાળી વેકેશનમાં પ્લેનથી ફરવા જવાના હોવ તો ચેતજો! એરપોર્ટે જાહેર કરી એડવાઇઝરી
આમ, કરોડો રૂપિયાની હેરાફેરી કરવામાં આવતી હતી. થાઈલેન્ડથી ગાંજો લઈને આવેલા આરોપીઓ અગાઉ ત્રણ ટ્રીપ કરીને મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ભારત લાવ્યાની વિગત પણ સામે આવી છે. આ અંગે એરપોર્ટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સ્કેનરમાં ડ્રગ્સ ન સ્કેન ન થાય તે માટે ખાસ પેકિંગમાં લાવતા હતા
પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે થાઈલેન્ડ એરપોર્ટથી આરોપીઓને ડ્રગ્સને ખાસ કપડામાં પેક કરીને આપવામાં આવતું હતું. જેમાં તેને સ્કેનરથી પકડી ન શકાય તેવા મટીરિયલનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેના કારણે અગાઉ પણ આરોપીઓ સરળતાથઈ એરપોર્ટની બહાર નીકળી ગયા હતાં. જો કે આ સમગ્ર મામલે પોલીસ એરપોર્ટના સ્ટાફ સંડોવણી શક્યતાને અંગે પણ તપાસ કરી રહી છે.
એનસીબીએ 10 કિલો ચરસનો જથ્થો જપ્ત કર્યો
આ સિવાય એનસીબીએ 10 કિલો ચરસ સાથે ત્રણની ધરપકડ કરી ગુજરાત એનસીબીના અધિકારીઓએ અડાલજ ટોલપ્લાઝા ખાતે બાતમીને આધારે સોમવારે વોચ ગોઠવીને રાજસ્થાનથી આવી રહેલી એક શંકાસ્પદ કારને રોકીને તપાસ કરતા તેમાંથી 10 કિલો ચરસનો જથ્થો જપ્ત કર્યો હતો. આ અંગે એનસીબીએ અમદાવાદમાં રહેતા બસીર અહેમદ, મોહમંદ મોહસીન અને સૂર્યાબાનુ નામની મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.