Ahmedabad Road Accident : છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં બેફામ કાર ચાલકો આતંક વધી ગયો છે. હાઇવે પર ચાલતા અને રાહદારી હવે અસુરક્ષિત અનુભવી રહ્યા છે. વૈભવી કાર લઇને રસ્તે નિકળી પડેલા નબીરાઓનો આતંક એટલી હદે વધી ગયો છે કે હવે ધોળે દિવસે બિન્દાસ અકસ્માતો સર્જીને ભયનો માહોલ સર્જી રહ્યા છે. લોકો હજુ તથ્ય પટેલ અને વિસ્મય શાહની ઘટનાને ભૂલ્યા નથી ત્યાં તો ફરી એકવાર આંબલી-બોપલ રોડ પર વધુ એક નબીરાએ પાંચી થી સાત જેટલા વાહનો અડફેટે લઇ રીતસરનો આતંક મચાવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસર આજે વહેલી અમદાવાદના બોપલ-આંબલી રોડ પર વૈભવી ઓડી કારચાલકે નશાની હાલતમાં પૂરપાટ ઝડપે બેફામ કાર હંકારી પાંચથી સાત જેટલા વાહનો અડફેટે લીધા હતા. કાર ચાલક નશાની હાલતમાં હોવાનું લાગી રહ્યું હતું. ધડાધડ એક પછી એક વાહનોને અડફેટે લીધા ઓડી કાર રેલીંગ સાથે ટકરાતા રોકાઇ ગઇ હતી. ત્યારબાદ લોકોનું ટોળું એકઠું થઇ જતાં કાર ચાલકને મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ દોડી આવી હતી.
હાલમાં મળી રહેલી માહિતી અનુસાર બેફામ કાર હંકાવનાર નબીરાનું નામ રીપલ પંચાલ છે. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું હતું કે તે નશાની હાલતમાં હતો અને અકસ્માત સર્જયા બાદ તેણે ગાડીમાં બેસીને સિગરેટ પીધી હતી એટલું જ નહી લોકોએ તેને કારમાંથી બહાર કાઢ્યો તો તે સ્પ્રે છાંટતો હતો. કારથી સ્પીડ 100થી વધુ હતી અને તેણે લગભગ 5 થી સાત વાહનો ટક્કર મારી હતી. જોકે સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ ન હતી. અકસ્માત બાદ રીપલ પંચાલને પોલીસ લઇ ગઇ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.