આંકલાવ તાલુકાના આસોદર ગામમાં રહેતાં એક માથાભારે શખ્સે આઠેક વર્ષ અગાઉ અવરજવરના રસ્તાં બાબતે પાડોશી મહિલા અને એક યુવક ઉપર કોથળા ઉચકવાનો આંકડો મારી ઈજા પહોંચાડી હતી. આ કેસમાં કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવી 6 મહિનાની સખત કેદની સજા ફટકારી છે.
.
આંકલાવ તાલુકાના આસોદર ગામમાં આવેલ ગોહેલ ફળીયામાં રહેતાં પુનમભાઈ બાબરભાઈ પરમાર, ભગાભાઈ ઉર્ફે ભગવાનભાઈ રાવજીભાઈ પરમાર, સોનલબેન વિઠ્ઠલભાઈ પરમાર અને સંદિપભાઈ પુનમભાઈ પરમારે આઠ વર્ષ અગાઉ અવરજવરના રસ્તાં બાબતે પાડોશી પરિવાર સાથે ઝઘડો કર્યો હતો અને આ બાજુથી તમારે જવાનો હક્ક નથી, આ દરવાજો કેમ ખુલ્લો રાખેલ છે ? તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યાં હતાં. તુતુ… મેમે બાદ આ ઝઘડો ઉગ્ર બન્યો હતો. દરમિયાન ઉશ્કેરાયેલા ભગાભાઈ ઉર્ફે ભગવાનભાઈ રાવજીભાઈ પરમારે હાથમાનો કોથળા ઉચકવાનો આંકડો મારી પાડોશી મહિલા અને યુવકને ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.
આ અંગે આંકલાવ પોલીસે આ ચારેય વિરૂદ્ધ ઈ.પી.કો કલમ 323, 504, 506(2), 114 તથા જી.પી.એકટની કલમ 135 મુજબનો ગુનો નોંધી, આરોપીઓની અટકાયત કરી હતી. જે બાદ ચાર્જશીટ તૈયાર કરી આંકલાવ કોર્ટમાં દાખલ કરી હતી. આ કેસ આંકલાવના જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ડૉ.અભિનવ મુદ્દગલ ની કોર્ટમાં ચાલ્યો હતો. દરમિયાન ફરીયાદી પક્ષના સરકારી વકીલ એસ.કે.રાવલ દ્વારા 13 મૌખિક પુરાવા અને 9 દસ્તાવેજી પુરાવા રજુ કર્યાં હતાં. સાથે ધારદાર દલીલો પણ કરવામાં આવી હતી. ન્યાયાધીશે બંને પક્ષોની રજુઆતો, દલીલો સાંભળ્યાં બાદ આ ચારેય આરોપીઓ પૈકી પુનમભાઈ બાબરભાઈ પરમાર, સોનલબેન વિઠ્ઠલભાઈ પરમાર અને સંદિપભાઈ પુનમભાઈ પરમારને નિર્દોષ ઠેરવ્યાં છે. જ્યારે, આરોપી ભગાભાઈ ઉર્ફે ભગવાનભાઈ રાવજીભાઈ પરમારને ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 248(2) અન્વયે ઈ.પી.કો.કલમ 323 ના ગુનામાં કસુરવાર ઠેરવી 6 માસની સખત કેદની સજાનો હુકમ કર્યો છે. તેમજ ફરીયાદીને વળતર પેટે 5 હજાર રૂપિયા ચુકવવા ચુકાદામાં ઉલ્લેખ કર્યો છે.