Gujarat High Court News: ન્યાયતંત્રમાં કોર્ટમાંથી કેસ ફાઇલ ગુમ થઇ જવાના પ્રકરણમાં જસ્ટિસ સંદીપ એન.ભટ્ટે હાઇકોર્ટ રજિસ્ટ્રીમાં છેલ્લા છ વર્ષથી કામ કરતા રજિસ્ટ્રાર(એસસીએમએસ અને આઇસીટી) એ.ટી.ઉકરાણીની વિવાદીત અને શંકાસ્પદ કામગીરીને લઇને પણ બહુ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. ત્યારબાદ ટીકાત્મક અવલોકનો પછી જસ્ટિસ સંદીપ એન. ભટ્ટનું રોસ્ટર ચીફ જસ્ટિસ દ્વારા એકાએક બદલી નાંખવામાં આવતાં ગુજરાતના ન્યાયતંત્ર અને વકીલઆલમમાં હવે ઉગ્ર રોષની સાથે જોરશોરથી ચર્ચાઓ શરૂ થઇ છે.
બીજીબાજુ, જસ્ટિસ સંદીપ એન.ભટ્ટનું રોસ્ટર આ રીતે અચાનક બદલાતાં ખુદ હાઇકોર્ટના જ કેટલાક સાથી જજીસ અને વકીલઆલમમાં પણ આંતરિક રોષની લાગણી પ્રવર્તી રહી છે. આ મામલે તાકીદની ચર્ચાની માંગણી ઉઠતાં આવતીકાલે બપોરે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનની એક અરજન્ટ બેઠક બોલાવવામાં આવી છે, જેમાં આ સમગ્ર વિષયવસ્તુ પર વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા હાથ ધરાનાર છે.
જજીસના અચાનક રોસ્ટર બદલાતાં ગંભીર સવાલો ઉઠાવ્યા
એવું નથી કે, ગુજરાત હાઇકોર્ટના આ નવા ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ દ્વારા કોઇ જજનું રોસ્ટર અચાનક બદલી નાંખવામાં આવ્યું હોય પરંતુ આ પહેલાં પણ ચીફ જસ્ટિસ દ્વારા જસ્ટિસ ઉમેશ ત્રિવેદીના વડપણ હેઠળની ખંડપીઠનું કન્ટેમ્પ્ટ કોર્ટનું રોસ્ટર અચાનક જ બદલી નંખાયુ હતું. એ પછી જસ્ટિસ સમીર જે.દવે અને જસ્ટિસ અલ્પેશ વાય.કોગજેની ખંડપીઠ પાસેથી પણ રખડતા ઢોરો અને બિસ્માર રસ્તાઓ વાળી કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણીનો મહત્ત્વનો તબક્કો ચાલી રહ્યો હતો તે અરસામાં અચાનક જ આ ખંડપીઠનું કન્ટેમ્પ્ટ કોર્ટનું રોસ્ટર પણ બદલી નંખાયુ હતુ અને તેઓને હેબીયર્સ કોર્પસ સહિતની અરજીઓની કામગીરી ફાળવી હતી, જેને લઇને એ વખતે પણ ભારે ચર્ચા જાગી હતી.
હવે જસ્ટિસ સંદીપ એન.ભટ્ટે રજિસ્ટ્રાર એ.ટી.ઉકરાણીને લઇને(ઉકરાણી સુરતના એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ તરીકે હતા ત્યારે સાત મહિનામાં 1૫ ફાઇલો ગુમ કરવાના પ્રકરણમાં) કરાયેલા ગંભીર અને ટીકાત્મક અવલોકનો બાદ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ દ્વારા જસ્ટિસ સંદીપ એન.ભટ્ટનું રોસ્ટર બદલી કાઢી તેમને સીંગલ જજમાંથી તેમનાથી સિનિયર જજ ઇલેશ જે.વોરાની સાથે ખંડપીઠમાં મૂકી દેવાતાં હાઇકોર્ટના વકીલઆલમમાં આંતરિક નારાજગીની સાથે સાથે ઉગ્ર રોષની લાગણી પણ ફેલાઇ છે.
હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનના પૂર્વ પ્રમુખ એવા એડવોકેટ અસીમ પંડયાએ એક પત્ર એસોસિએશનના હાલના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીને મોકલી આ વિષય પર તાકીદની ચર્ચા માટે એસોસિએશનની સામાન્ય સભા બોલાવવા માંગણી કરી છે. જેના અનુસંધાનમાં આવતીકાલે બપોરે એસો.ની એક અરજન્ટ મીટીંગ બોલાવાઇ છે.
પૂર્વ પ્રમુખે પત્રમાં બહુ ગંભીર સવાલો ઉઠાવ્યા….
પૂર્વ પ્રમુખે પાઠવેલા પત્રમાં ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે, હાઇકોર્ટના હાલના ચીફ જસ્ટિસ દ્વારા તાજેતરના અઠવાડિયામાં આ બીજી વખત છે જયારે કોઇ ન્યાયમૂર્તિનું રોસ્ટર બદલવામાં આવ્યું છે. રોસ્ટર આંચકી લેવાનો મામલો એસોસિએશનના સભ્યો સમક્ષ પ્રશ્ન ઉઠાવે છે કે, શું એસોસિએશને ચીફ જસ્ટિસના આવા નિર્ણયો સહન કરવા જોઇએ કે તેનો વિરોધ કરવો જોઇએ..?
તેમણે ઉમેર્યું કે, આ બે ઘટનાક્રમ નાગરિકોના મૂળભૂત અધિકારો, કાયદાનું શાસન અને ન્યાયતંત્રની સ્વતંત્રતા પર દૂરોગામી અસરો કરનારા છે. તેમણે એવો ગંભીર સવાલ પણ ઉઠાવ્યો હતો કે, ભલે ચીફ જસ્ટિસ રોસ્ટરના માસ્ટર છે એટલે કે, રોસ્ટરને લઇ સત્તા ચીફ જસ્ટિસ પાસે હોઇ શકે પરંતુ શું આ પ્રકારે અચાનક જજીસના રોસ્ટર બદલી નાંખવાથી ન્યાયતંત્રની સ્વતંત્રતા માટે વહીવટી હિતમાં છે…??
ગેરવાજબી વર્તનનો ભોગ બનાવાતા જજીસની પડખે ઉભા રહેવા વકીલોને હાકલ
એસોસિએશનના પૂર્વ પ્રમુખે કેસની સુનાવણી દરમ્યાન અથવા લેખિત આદેશમાં જજીસ દ્વારા વ્યકત કરાયેલા મંતવ્યો બદલ તેઓને ગેરવાજબી વર્તનનો ભોગ બનાવતા હોઇ આવા જજીસની પડખે ઉભા રહેવા એસોસિએશનના અન્ય વકીલોને હાકલ પણ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, જો આપણે આ પ્રકારની ટ્રીટમેન્ટ સહન કરી લઈશું તો, આપણે સ્વતંત્ર અને તટસ્થ જજીસ ગુમાવી દઇશું. ત્રણ વર્ષ પહેલાં પણ અમે સ્વતંત્ર અને તટસ્થ ન્યાયમૂર્તિની અન્યાયી ટ્રાન્સફર સામે ઉભા થયા હતા અને ગુજરાત હાઇકોર્ટમાંથી તેમની બીજી હાઇકોર્ટમાં ટ્રાન્સફરનેે સફળતાપૂર્વક અટકાવી હતી. કાયદાનું શાસન અને ન્યાયિક સ્વતંત્રતા કોઇપણ ભોગે જળવાઇ રહે તે માટે એસોસિએશને આવા જજીસનો બચાવ કરવો જોઇએ.