ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ‘ટીબી હારેગા, દેશ જીતેગા’ અભિયાન અંતર્ગત વ્યાપક સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ હેઠળ પાટનગરમાં કુલ 20,180 નાગરિકોની તપાસ કરવામાં આવી, જેમાંથી 83 લોકોમાં ટીબીનું નિદાન પોઝિટિવ આવ્યું છે.
.
100 દિવસના આ વિશેષ અભિયાન દરમિયાન મહાપાલિકાની આરોગ્ય ટીમોએ ઘરે-ઘરે જઈને સર્વેક્ષણ કર્યું. શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોના એક્સ-રે અને ગળફાની તપાસ હોસ્પિટલમાં કરવામાં આવી. તમામ પોઝિટિવ દર્દીઓની તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી છે. વિશેષ રૂપે, 20 દર્દીઓને મેયરના હસ્તે કલાવતી જ્ઞાન અને પોષણ ફાઉન્ડેશન તરફથી પોષણ કિટ્સ આપવામાં આવી છે.
આરોગ્ય વિભાગે જણાવ્યું કે ટીબીના મુખ્ય લક્ષણોમાં બે અઠવાડિયાથી વધુ ખાંસી, વજનમાં ઘટાડો, સાંજે તાવ અને રાત્રે પરસેવો આવવો જેવા લક્ષણો જોવા મળે છે. નિષ્ણાતોના મતે, નિયમિત છ માસની સારવાર લેવાથી દર્દી સંપૂર્ણપણે સાજો થઈ શકે છે. મહાપાલિકાએ નાગરિકોને ટીબીના લક્ષણો જણાય તો તુરંત નજીકના આરોગ્ય કેન્દ્રમાં વિનામૂલ્યે નિદાન અને સારવાર માટે સંપર્ક કરવા અપીલ કરી છે.