દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહીવટી વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટે જન્મ-મરણ નોંધણીના એક વર્ષથી જૂના કેસોની સત્તા મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટને આપી છે.
.
સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરીઓમાં કાર્યભારણ વધી રહ્યું છે. આ કચેરીઓમાં ઓનલાઈન ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર અને આરટીએસની કામગીરી થાય છે. સીટીએસ અને તકરારી કેસોની કામગીરી પણ કરવામાં આવે છે. લેન્ડ ગ્રેબીંગ અને રીન્યુએબલ એનર્જી પ્રોજેક્ટના હંગામી બિનખેતી કેસો પણ આ કચેરીઓમાં આવે છે.
બાર એસોશિયેશન અને પ્રજાના પ્રતિનિધિઓએ આ મુદ્દે વારંવાર રજૂઆત કરી હતી. સરકારની નીતિ વિકેન્દ્રીકરણની છે. જેથી લોકોને તાલુકા કક્ષાએથી જ સેવાઓ મળી શકે.
આ નિર્ણયથી સબ ડિવિઝનલ કચેરીઓનું કાર્યભારણ ઘટશે. અરજદારોને તાલુકા કક્ષાએથી જ જન્મ-મરણ નોંધણીની સેવાઓ મળશે. આ ફેરફાર લોકો માટે વધુ સુવિધાજનક રહેશે.