રાપર તાલુકા વિકાસ અધિકારીએ ગામડાઓની શાળાઓ, ગ્રામપંચાયતોની અચાનક તપાસ કરતાં તલાટીઓ, શિક્ષકો ‘ઘેર’હાજર જણાયા હતા.
.
તાલુકાની મોટાભાગની શાળાઓમાં શિક્ષકોની ઘટ કાયમી છે અને અહીં હાજર થયા બાદ જિલ્લા ફેર બદલીઓમાં માસ્તરો પોતાના વતન જતા રહેતા હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. જેથી મંજૂર મહેકમ કયારેય ભરાતું નથી. તેમાંય કેટલાક શિક્ષકો કે, જેમની જિલ્લા ફેર બદલી કોઈ કારણોસર ન થતા મહિનામાં બે-ચાર વખત કોઇને કહ્યા વિના પોતાના વતન ચાલ્યા જતા હોવાની ફરિયાદો ઉઠતી રહે છે ત્યારે બુધવારે રાપર તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલાએ સરપ્રાઈઝ ચેકીંગ કરતાં અનેક શિક્ષકો, તલાટીઓ હાજર મળ્યા ન હતા. જેમને તાત્કાલિક નોટિસ આપી પગાર કપાત કરવાની ચર્ચાએ જોર પકડ્યું છે. 4 તલાટીઓ સ્થળ પર હાજર ન હોઇ તેમને નોટિસ અપાઇ હતી. તો શાનગઢ શાળામાં તો આચાર્ય સહિત 4 શિક્ષકો ગેરહાજર જોવા મળ્યા હતા, જેમને પણ કારણદર્શક નોટિસ ફટકારાઇ છે. તો આડેસર અને ડોરાથાણા શાળામાં એક-એક શિક્ષક સાથે ખાંડેકમાં પણ બે શિક્ષકો ગેરહાજર હોવાનું બહાર આવ્યું હતું.
આ બાબતે રાપર ટીપીઓ ખોડુભા વાઘેલાએ પણ કાર્યવાહીને સમર્થન આપીને જણાવ્યું હતું કે, આગામી સમયમાં આ પ્રકારની સરપ્રાઈઝ ચેકીંગ કરાશે અને ગેરહાજર લોકો સામે કાર્યવાહી કરાશે.
ઘટ વચ્ચે હાજર સ્ટાફ ગેરહાજર જણાતા સરપ્રાઇઝ વિઝિટ ચાલુ રહેશે
દરરોજ સ્થળ પર હાજર હોવાના ફોટા મૂકવાના રહેશે
રાપર ઇન્ચાર્જ ટીપીઓ સામત વસરાએ જણાવ્યું હતું કે, જે શિક્ષકો ગેરહાજર હતા તેમને નોટિસ આપી છે અને શાનગઢનાં બે શિક્ષકોનાં પગાર કાપી લેવાયા છે. બીજાનાં જવાબો બાકી છે, જે આવશે ત્યારબાદ કાર્યવાહી હાથ ધરાશે. આગામી ટૂંક સમયમાં આ બાબતે રોજેરોજ સ્થળ ઉપર હાજર રહેવાના ફોટા અપલોડ કરવા સહિતનાં નિયમો પણ બનાવશે.