જામનગર-ખંભાળિયા હાઈવે પર મોટી ખાવડી ફાટક પાસે એક ખાનગી ટેન્કરમાં અચાનક આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. ટેન્કરમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સુરક્ષાની દૃષ્ટિએ તાત્કાલિક અસરથી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. આગની ભયાનકતા એટલી હતી કે રોડ પર ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા, જેના કારણે આસપાસથી પસાર થતા વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવતા, ફાયર ફાઈટર્સની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. ફાયર વિભાગની ત્વરિત કામગીરીને કારણે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના એક મોટી દુર્ઘટનામાં પરિણમી શકી હોત, પરંતુ સ્થાનિક વહીવટી તંત્ર અને ફાયર વિભાગની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીને કારણે મોટી જાનહાનિ ટળી હતી.