કંડલા એરપોર્ટ મથકે સતત બીજા દિવસે મહત્તમ તાપમાનનો પારો 43.6 ડિગ્રીએ સ્થિર રહેતાં ગાંધીધામ અને અંજાર સહિતનો વિસ્તાર રાજ્યભરમાં સર્વાધિક ગરમ બન્યો હતો. કચ્છમાં આજથી ત્રણ દિવસ ગરમીનું મોજું ફરી વળવાની સંભાવનાએ હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યું છે.
.
બે દિવસથી શેકાઇ રહેલા ગાંધીધામ, આદિપુર, અંજાર, ગળપાદર પંથકમાં ઊંચું ઉષ્ણતામાન સ્થિર રહેવાની સાથે લોકોને અંગ દઝાડતી ગરમીનો સામનો કરવો પડ્યો હતો. મધ્યાહ્ને સૂર્ય નારાયણના આકરા તેવરને પગલે જાહેર માર્ગો પર નોંધપાત્ર રીતે ચહલ પહલ ઘટી હતી. જો કે, ન્યૂનતમ તાપમાન એક આંક જેટલું નીચે સરકીને 23.3 ડિગ્રી રહેતાં મોડી રાત્રે ગરમીમાં રાહત રહી હતી.
જિલ્લા મથક ભુજમાં પણ અધિકત્તમ ઉષ્ણતામાન 40.8 ડિગ્રીએ સ્થિર રહ્યું હતું. દિવસભર પ્રતિ કલાક સરેરાશ 20 કિલો મીટરની ગતિએ પવન ફૂંકાયો હતો જેના કારણે ગરમીનો ડંખ આંશિક રીતે ઘટ્યો હતો. નલિયામાં 34.8 ડિગ્રી સાથે ગરમીમાં રાહત અનુભવાઇ હતી તો કંડલા બંદરે તાપમાન ઉંચકાઇને 39.4 ડિગ્રીએ પહોંચ્યું હતું.
આજથી ત્રણ દિવસ સુધી પારો બેથી ત્રણ ડિગ્રી જેટલો ઉંચો ચડવાની સંભાવનાએ ગરમીનું જોર વધશે ત્યાર બાદ ક્રમશ: ઉષ્ણતામાન નીચે ઉતરવાની શક્યતા છે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવાયું હતું. નોંધનીય છે કે ચાલુ મહિને કંડલા એરપોર્ટ ચાર વખત દેશમાં સર્વાધિક ગરમ સ્થળ નોંધાયું છે. જ્યારે એક વખત ભુજ દેશમાં સાૈથી વધારે ગરમ સ્થળ નોંધાયું છે.