શનિવારે સુરત મહાપાલિકાની સંકલન બેઠકમાં માત્ર ત્રણ ધારાસભ્યો-પૂર્ણેશ મોદી, વિનુ મોરડિયા અને મનુ પટેલ હાજર રહ્યા હતા. આ બેઠકમાં વિનુ મોરડિયાએ કતારગામ વિસ્તારમાં ગેરકાયદે ડોમમાં ચાલતા ભંગારવાળાના ન્યૂસન્સ અને સુરક્ષા ગાર્ડોની હાજરી અંગે ઉગ્ર રજુઆતો કરી
.
ભંગાર ગોડાઉનો મુદ્દે ઉગ્ર વલણ ધારાસભ્ય વિનુ મોરડિયાએ કતારગામ ઝોનમાં ગેરકાયદેસર ભંગાર ગોડાઉનો હટાવવાની મોડી કાર્યવાહી અંગે પ્રશ્ન ઉઠાવ્યો. ઝોન અધિકારીઓએ જવાબ આપ્યો કે ગેરકાયદેસર ડોમ હટાવવા નોટિસ આપવામાં આવી છે, અને ટૂંક સમયમાં ભંગાર ગોડાઉનો દૂર કરવામાં આવશે. આ જવાબથી મોરડિયા સંતુષ્ટ થયા નહોતા અને તેઓ અધિકારીઓ સામે ઉકળ્યા હતા. તેમણે સવાલ કર્યો કે રહેણાંક મિલકતોમાં ડિમોલીશન કે સીલ કરતા નોટિસ આપવામાં આવતી નથી, તો ભંગાર ગોડાઉનો માટે નોટિસ શા માટે?
સિક્યુરિટી ગાર્ડની ભૂતિયા હાજરી પર આક્ષેપ વિનુ મોરડિયાએ વોર્ડ ઓફિસ, વાંચનાલય અને શાંતિકુંજમાં સુરક્ષા માટે ગાર્ડ મૂકવાના પ્રશ્ન પર પણ ઉગ્ર વલણ દાખવ્યું. તેમણે આક્ષેપ કર્યો કે બહોળા પ્રમાણમાં ભૂતિયા હાજરી દ્વારા પાલિકાને આર્થિક નુકસાન કરવામાં આવી રહ્યું છે. તેમણે ચીફ સિક્યુરિટી ઓફિસર અને વિભાગના વડાને બાયોમેટ્રીક સિસ્ટમ લાગુ કરવાની તાકીદ કરી.
સફાઈ અને રોડ કામગીરી અંગે પણ નારાજગી મહાપાલિકા દ્વારા રજૂ કરાયેલ રોડ સફાઈની યાદી પર પણ મોરડિયાએ અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ઝોન અધિકારીઓને જવાબદારીથી કામગીરી પૂર્ણ કરવા કડક સૂચનાઓ આપી હતી.
પૂર્ણેશ મોદીની પાળા યોજના અંગે રજુઆત ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પાળા યોજનાની ધીમી કામગીરી અંગે પણ રજુઆત કરી હતી, અને અધિકારીઓને વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં ધારાસભ્ય મોરડિયાએ પાલિકા તંત્ર પર તીવ્ર નિશાન સાધ્યું અને વિવિધ પ્રશ્નો ઉઠાવી જવાબદાર અધિકારીઓને સતર્ક રહેવા તાકીદ કરી.