– ડિગ્રી વગરના વ્યક્તિઓથી ચાલતો વેપલો : શહેરમાં 80 જેટલી લેબ.
– નવા નિશાળિયાઓ દ્વારા લેબ.માં પરીક્ષણ કરી દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં : સપ્ટેમ્બર બાદ તંત્ર ચેકિંગ હાથ ધરશે
આણંદ : આણંદ જિલ્લામાં રજીસ્ટ્રેશન વગરની ૩૦૦થી વધુ પેથોલોજી લેબોરેટરી ધમધમી રહી છે. જેમાં ક્વૉલિફાઈડ વ્યક્તિઓ વગર જ વિવિધ મેડિકલ ટેસ્ટ કરી દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરી મોટો ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે. ત્યારે સપ્ટેમ્બર બાદ લેબોરેટરીઓમાં ચેકિંગ હાથ ધરી માન્યતા વિનાની લેબોરેટરી સામે તંત્ર કાર્યવાહી કરશે.
આણંદ શહેરમાં હાલ અંદાજે ૮૦થી વધુ ખાનગી પેથોલોજી લેબોરેટરી આવેલી છે. જ્યારે જિલ્લાના તમામ તાલુકા મથકોએ ૩૦૦થી વધુ પેથોલોજી લેબ.માં લોહી સહિત અન્ય ટેસ્ટ કરવા સાથે ધમધમી રહી છે. લેબોરેટરીમાં ડૉક્ટરના પ્રિસ્કિપ્શન મુજબ લોહી, યુરિન સહિત અન્ય ટેસ્ટ કરીને મોટો ચાર્જ દર્દીઓ પાસેથી વસૂલ કરવામાં આવી રહ્યો છે.
ત્યારે મોટા ભાગની લેબોરેટરીમાં સરકારના નિયમ મુજબ ડિગ્રી ધરાવતા ક્વોલિફાઈડ માણસોને બદલે નવા નિશાળિયાઓ અને ડિગ્રી વગરના વ્યક્તિઓ રાખી કામ ચલાવાતું હોય છે. સરકારના પરિપત્રમાં નવા ક્લિનિકલ એસ્ટાબ્લિસ્ટમેન્ટ એક્ટ મુજબ તમામ પેથોલોજી લેબોરેટરીને સપ્ટેમ્બર-૨૦૨૫ સુધીમાં ફરજિયાત નોંધણી કરાવી લેવા સૂચના અપાઈ છે.
આણંદ સિવિલ હોસ્પિટલના સર્જન ડૉક્ટર અમર પંડયાએ જણાવ્યું હતું કે, લેબોરેટરીના પેથોલોજી વિભાગમાં માઈક્રોબાયોલોજી, બાયો કેમેસ્ટ્રી અથવા એમડી અભ્યાસ કરેલો વ્યક્તિ જ ટેસ્ટિંગ કરી શકે છે. જેમાં બેઝિક એમબીબીએસની ડિગ્રી તથા મિડિયમ અને એડવાન્સમાં એમડીની ડિગ્રી જરૂરી છે.
પરંતુ જિલ્લાની લેબોરેટરીમાં ડિગ્રી વિનાના વ્યક્તિઓ દ્વારા પરીક્ષણો કરવામાં આવતા દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. ત્યારે આગામી સપ્ટેમ્બર પછી આણંદ જિલ્લાની તમામ પેથોલોજી લેબોરેટરી ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવશે અને સરકારની માન્યતા અને પરિપત્ર વગરની પ્રેક્ટિસ કરતી તમામ પેથોલોજી લેબોરેટરીને સીલ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે.