– વઢવાણ તાલુકાના વડોદ તેમજ ફુલગ્રામ નજીક
– ત્રણેય આરોપીઓ સામે ચારથી વધુ પોલીસ મથકમાં ચોરી સહિતના ગુના નોંધાયેલા
સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના વડોદ અને ફુલગ્રામ ગામ નજીક ત્રણ મહિના પહેલા બે અલગ અલગ પેટ્રોલ પંપમાં ચોરીના કરનાર ભુજની ગેંગનો એક શખ્સ ઝડપાયો છે. જ્યારે બાકીના બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં ત્રણેય આરોપી સામે ચારથી વધુ પોલીસ મથકોમાં ચોરી સહિતના ગુના નોંધાયા છે.
વઢવાણ તાલુકામાં ગત તા. ૦૩ નવેમ્બર ૨૦૨૪ના રોજ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર વડોદ ગામના પાટિયા પાસે આવેલા શિવ પેટ્રોલ પંપની ઓફિસમાંથી રોકડા રૂા.૮૭,૦૦૦ તેમજ ફુલગ્રામ ચોકડી પાસે આવેલ ઝાલાવાડ પેટ્રોલ પંપની ઓફિસમાંથી રૂા.૩૦,૪૦૦ રોકડ રકમ સહિત કુલ રૂા.૧,૧૭,૪૦૦ની ચોરીનો બનાવ બન્યો હતો. જે અંગે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. તપાસ દરમિયાન જોરાવરનગર પોલીસે રામપરા આઉટ પોસ્ટના સ્ટાફ દ્વારા ફુલગ્રામના પાટિયા પાસેથી તસ્કર ગેંગના એક સભ્ય ઈસા રાયબભાઈ સમા (રહે.ડેઢીયા, ભુજ)ને ઝડપી પુછપરછ કરતા અન્ય બે શખ્સો મુસ્તાક પંચાણભાઈ સમા/સંધી (રહે.ડેઢીયા, ભુજ) અને સુલેમાન ઉર્ફે લક્કી અલ્લાબક્ષ સમા/સંધી (રહે.માધાપર, ભુજ) સાથે મળી પેટ્રોલ પંપમાં ચોરીની કબુલાત કરી હતી. પ્રાથમિક તપાસમાં આરોપી ઈસા સમા અને અન્ય બે આરોપીઓ વિરૂધ્ધ માધાપર, દુધઈ, ભચાઉ, હળવદ સહિતના પોલીસ મથકોમાં ચોરી સહિતના ગુનાઓ અંગે ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું હતું.