પાદરા તા.૨૫
પાદરાના પૂર્વ કોર્પોરેટર ભાવેશ ઉર્ફે લાલુ ચંદ્રકાંત પટેલને પોલીસ ઉપર ગાડી ચડાવી દેવાના અને જાનથી મારી નાખવાના હુમલાના વર્ષ ૨૦૨૦માં થયેલા કેસમાં કોર્ટે સાત વર્ષની સખત કેદ તથા પચાસ હજાર રૃપિયાનો દંડ અને દંડ ભરપાઈ ન કરે તો વધુ ત્રણ માસની સજા ફટકારી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ સન ૨૦૨૦માં ભાવેશ ઉર્ફે ચંદ્રકાંત પટેલ પોતાની કારમાં દારૃ ભરી લઈને આવે છે તેવી માહિતી પાદરા પોલીસને મળી હતી જે બાતમી આધારે પાદરા પોલીસ સ્ટાફના માણસો તેની વોચમાં હતા ત્યારે પાદરા પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ યોગેશ પુરોહિતે લાલુ ઉર્ફે ભાવેશની ગાડીને રોકવાનો પ્રયત્ન કરતા ભાવેશે કોન્સ્ટેબલ યોગેશ ઉપર દારૃ ભરેલી કાર ચડાવી દીધી હતી.
આ ઘટનામાં યોગેશને પગમાં ઈજાઓ થતા તે અંગેની ફરિયાદ પાદરા પોલીસ મથકે નોંધાઇ હતી. પોલીસે ભાવેશ ઉર્ફે લાલુ પટેલ સામે હત્યાનો પ્રયાસ, સરકારી નોકર પર હુમલો અને પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે સમયે ભાવેશ ઉર્ફે લાલુ પટેલ પાદરા નગર પાલિકાનો સદસ્ય તેમજ નગર પાલિકા નિયુક્ત એપીએમસીમાં ડિરેક્ટર પણ હતો.
પોલીસે તપાસ બાદ કોર્ટમાં ચાર્જશીટ કર્યા બાદ કેસ ચાલ્યો હતો અને તેનો ચુકાદો કોર્ટમાં આવતા ભાવેશ ઉર્ફે લાલુ ચંદ્રકાંત પટેલને સાત વર્ષની સજા તથા રૃા.૫૦ હજાર દંડનો હુકમ કર્યો હતો અને રૃા.૫૦ હજાર દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજા ફટકારવા માટે આદેશ કરવામાં આવ્યો હતો.