છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર નજીક ભારજ નદી પર 4 કરોડના ખર્ચે નવનિર્મિત ઓલવેધર ડાયવર્ઝન પર ભારે વાહનોની અવરજવરને મંજૂરી આપવામાં આવી છે. નેશનલ હાઇવે નંબર 56 પર આ ડાયવર્ઝન છ મહિના બાદ તૈયાર થયું છે.
.
20 ફેબ્રુઆરીથી હલકા વાહનોની અવરજવર શરૂ થઈ હતી. 26 ફેબ્રુઆરીની મધ્યરાત્રિથી ભારે વાહનોને પણ મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી વાહન ચાલકોને 32 કિલોમીટરનો વધારાનો ફેરો બચશે.
અગાઉ વન કુટીરથી રંગલી ચોકડી થઈ મોડાસર ચોકડી સુધીના વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડતો હતો. ખરાબ રસ્તાઓને કારણે ભારે વાહનો અને લક્ઝરી બસના ચાલકો પાવીજેતપુરમાં આવવાનું ટાળતા હતા. આના કારણે સ્થાનિક વેપાર-ધંધા પર વિપરીત અસર પડી હતી.

નવા ડાયવર્ઝન પર બનાવવામાં આવેલા બમ્પ્સને લઈને વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે બમ્પ્સ વચ્ચે રેતી ભરાતા આ સમસ્યા હળવી થશે. જો મુશ્કેલી ચાલુ રહેશે તો તેનું સમાધાન કરવામાં આવશે.
આ નવી સુવિધાથી છોટાઉદેપુર જિલ્લા અને મધ્યપ્રદેશની સરહદી વિસ્તારની જનતામાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. વેપારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે.




