અમદાવાદ,મંગળવાર,4 ફેબ્રુ,2025
અમદાવાદમાં ચોમાસા દરમિયાન વિવિધ વિસ્તારમાં વરસાદી પાણી
ભરાવાની સમસ્યા દર વર્ષે જોવા મળે છે. જે તે સ્પોટ ઉપર હેવી ડી વોટરીંગ પમ્પ મુકી
વરસાદી પાણીનો નિકાલ કરવા માટે મ્યુનિ.તંત્ર રુપિયા ૪.૩૭ કરોડના ખર્ચે પાંચ હેવી
ડી વોટરીંગ પમ્પ ખરીદશે. પ્રતિ નંગ રૃપિયા ૮૭ લાખથી વધુનો ખર્ચ કરી પાંચ વર્ષના
ઓપરેશન અને મેઈન્ટેનન્સ સાથે આ પમ્પનો કોન્ટ્રાકટ અપાશે.
ચોમાસા દરમિયાન શહેરના વિવિધ વોર્ડમાં આવેલા વોટર લોગીંગ
સ્પોટ ઉપર કલાકો સુધી ભરાયેલા વરસાદી
પાણીનો નિકાલ થઈ શકતો નથી.નિચાણ વાળા વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના નિકાલની
કામગીરી માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ-૨૦૨૪-૨૫ના ઝીરો બજેટ હેડ હેઠળ પાંચ નંગ
હેવી ડી વોટરીંગ પમ્પ ખરીદવા સેન્ટ્રલ વર્કશોપ દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ
દરખાસ્ત મંજૂરી માટે મુકવામા આવી છે.આ પમ્પ ખરીદવા કરવામા આવેલા ટેન્ડરમાં પ્રથમ
લોએસ્ટ આવેલા દત્ત મોટર બોડી બિલ્ડર્સ પાસેથી પ્રતિ નંગ રુપિયા ૮૭,૫૦,૦૦૦ના ભાવથી ખરીદ
કરી પાંચ વર્ષના ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ સાથે કોન્ટ્રાકટ આપવામાં આવશે.અમદાવાદ
મ્યુનિ.ની હદમાં સમાવવામા આવેલા બોપલ,આંબલી,ઘૂમા ઉપરાંત શીલજ,કઠવાડા અને
સિંગરવા સહીતના અન્ય વિસ્તારમાં તથા રીંગ રોડ આસપાસના વિસ્તારોમાં ચોમાસામા
ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરતા મ્યુનિ.તંત્રને નાકે દમ આવી જતો હોય છે.