Bomb Threats : રાજકોટ શહેરની 10 નામાંકિત હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં દોડધામ મચી છે. ફાઇવ સ્ટાર હોટલ ધ ઇમ્પિરિયલ પેલેસ, સયાજી હોટલ, ભાભા હોટલ, કાવેરી હોટલ, જ્યોતિ હોટલ, પેરા માઉન્ટ, ધ એલિમેન્ટ્સ હોટલ, સીઝન્સ હોટલ, બિકોન હોટલ અને ધ ગ્રાન્ડ રેજન્સી હોટલને ઈ-મેઇલમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં લખ્યું છે કે, ‘મેં તમારી હોટલના દરેક સ્થળે બોમ્બ મૂક્યા છે. બોમ્બ થોડા કલાકોમાં નીકળી જશે. આજે અનેક નિર્દોષોના જીવ જશે. ઉતાવળ કરો અને હોટેલ ખાલી કરો. હમણાં જ ખાલી કરો.’
12:45 વાગ્યે ધમકી ભર્યો મેઇલ મળતાં જ પોલીસ તંત્ર ઍલર્ટ થયું છે અને તમામ હોટલ પર પહોંચીને તપાસ શરુ કરી છે. જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોથી ફ્લાઇટ્સમાં બોમ્બ હોવાની ધમકીઓ મળી રહી છે, ત્યારે હવે હોટલમાં બોમ્બની ધમકી મળી છે.
તહેવાર ટાણે ધમકી મળતા શહેરમાં ચકચાર
ક્રાઇમ બ્રાન્ચ, SOG, LCB, સ્થાનિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતનો કાફલો હોટલ પહોંચ્યો હતો. જો કે, એકપણ હોટલમાં હજુ સુધી કંઈ પણ ના મળી આવતા સૌએ હાશકારો અનુભવ્યો હતો. તો બીજી તરફ ધમકી ભર્યો મેઇલ કોણે કર્યો તે દિશામાં તપાસ ચાલી રહી છે. તહેવાર ટાણે ધમકી મળતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી છે.