Sayla-Paliad Highway Accident : સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-પાળીયાદ હાઈવે પર બેફામ ડમ્પર ચાલકે રોડ પર જઈ રહેલા ઘેટા-બકરાને અડફેટે લેતાં આશરે 40 ઘેટા-બકરા અને માલધારીનું મોત નીપજ્યું. જ્યારે કેટલાક પશુઓને ગંભીર ઈજાઓ પણ થઈ હતી. હાઈવે પર મૃતદેહોની લાઈન જોવા મળી હતી. જ્યારે ગંભીર અકસ્માત પગલે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ, મામલતદાર અને ટીડીઓ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
40 ઘેટા-બકરાને અને માલધારીનું મોત, 10 પશુઓના પગ ભાંગી ગયા
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-પાળીયાદ હાઈવે પરથી જઈ રહેલા માલધારી અને ઘેટા-બકરાને ટ્રક ચાલકે ટક્કર મારી હતી. જેમાં માલધારીને ગંભીર ઈજા પહોંચતા, 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. આ સાથે 40 ઘેટા-બકરાને ટક્કર વાગતા મોત થયા, જ્યારે 10 પશુઓના પગ ભાંગી ગયા હતા. સમગ્ર ઘટનાને લઈને હાઈવે પર લોકો દોડી આવ્યાં હતા અને અકસ્માત સર્જનારા ડમ્પર ચાલકને લોકોએ ઝડપી પાડ્યો હતો.
સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ, મામલતદાર, ટીડીઓ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. જ્યારે લોકોએે ડમ્પર ચાલકને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી.