મહેસાણા જિલ્લામાં ઉકળાટ બાદ છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ઉકળાટ બાદ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ વચ્ચે શહેરીજનોએ તો ગરમીમાંથી હાશકારો અનુભવ્યો હતો, પણજગતના તાત ગણાતા ખેડૂતો માટે આ વરસાદ મુસીબત બનીને આવ્યો છે. પાછલા દિવ
.
મહેસાણા જિલ્લામાં પાછલા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આ વરસાદમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં ખેડૂતોએ ઉગાડેલા પાકમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. મહેસાણા નજીક આવેલા સોનેરી પુરા ગામમાં અંદાજે 100 જેટલા ખેડૂતો ખેતી કરે છે. આ વર્ષે ગામમાં 100 વિઘામાં ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું હતું. તેમજ દિવેલા, બાજરી પણ વાવી હતી. વરસાદ પડતાં આ વિસ્તારમાં આવેલા ખેતરોમાં પાણી ભરાઈ જતા મોટા ભાગનો પાક ફેલ થયો હોવાનું અહીંના ખેડૂતો જણાવી રહ્યા છે.
દિવેલા બે-બે વખત વાવ્યાં પણ વરસાદે પાક બગાડ્યો પટેલ અમરત ભાઈએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, અમે 3 વિઘામાં કપાસ અને બાજરી બે વિઘા અને મગ એક વિઘામાં તેમજ અળદ, જુવારનું વાવેતર કર્યું હતું. ખેતી વાડીમાં કપાસમાં મોટા પ્રમાણે નુકસાન થયું છે. તેમજ બાજરી, અળદ, મગના વાવેતરમાં પણ નુકસાન થયું છે. દિવેલા બે વખત વાવ્યાં પણ પાણી ભરાઈ ગયું તો પાક અમારો બિલકુલ નિષ્ફળ ગયો. કપાસમાં વીણીનો સમય થયોને વરસાદ આવ્યો એટલે કપાસનો ફોલ બધો બગડી ગયો એટલે એનો કોઈ સારો ભાવ મળવાનો નથી અમને.
ખેડૂત દેવાદાર થઈ ગયો, એક વિઘા પાછળ 20 હજાર ખર્ચ થાય વધુમાં જણાવ્યું કે, અમે ખેતી પર જીવન ગુજારીયે છીએ. ખેડૂત દેવાદાર થઈ ગયો છે. અમે પૈસા ક્યાંથી લાવી. દવા, બિયારણના પૈસા તો અમારે ચુકવવા જ પડશે. બહારથી પૈસા લાવી અમે બિયારણની ખરીદી કરી છે. સરકાર પાસે માગ છે કે, થોડી ઘણી સહાય આપે. અમારે એક વિઘા પાછળ 20 હજાર રૂપિયા ખર્ચ પડી જાય છે. અત્યાર સુધીમાં દોઢ લાખ રૂપિયા ઉપર નુકસાન આ વાવણીમાં થઈ ગયું છે.
સોનેરી પુરા ગામે 100 વિઘામાં વાવેતરમાં મોટા ભાગનો પાક ફેલ પટેલ વિષ્ણુ ભાઈએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, અમારા ગામમાં સો એક ખેડૂતો છે. કપાસ 100 વિઘામાં વાવેતર કરવામાં આવ્યો હતો. બાજરી 50 વિઘા જેવું વાવેતર કર્યું હતું. દિવેલા દોઢસો બસો વિઘામાં વાવેતર હતું.આ પાછળ વધારે વરસાદ પડતા ઘણુ બધુ વાવેતર ફેલ ગયું છે. અમારું જીવન નિર્વાહ ખેતી પર છે. પશુપાલન પણ નથી. અમારા ગામમાં માત્ર ખેતી પર જીવન ગુજારીયે છીએ. આ ખેતી માત્ર 15 દિવસમાં ફેલ ગઈ છે.
પાક સારો થતા સારી આવકની આશા બંધાઈ, વરસાદે તો દિવાળી બગાડી જે સમયે પાક સારો ઉગ્યો એ દરમિયાન ખૂબ આશા હતી. કપાસ સારો થશે એવી આશા હતી. અમને હતું કે વિધે ચાલીસ પચાસ મણ રૂ થશે તો અમારો વિઘો લાખનો થશે. એની જગ્યાએ હાલમાં વિઘો પાંચ હજારમાં થાય એમ નથી. ગત વર્ષે કપાસ માંથી 34 થી 40 મણ ઉતારો હતો જેમાં વિધે 50 થી 70 હજારની આવક થઈ હતી. આ સાલ કોઈ એવો માહોલ જોવા મળતો જ નથી. આ સાલ અમે પાયમાલ છીએ. ઉછીના આડા અવળા પૈસા કરી વાવેતર કર્યા હતાં. વરસાદ ના કારણે બે વખત દિવેલા વાવવા પડયા એ પણ ઉછડ્યા નથી. હાલમાં 70 ટકા ખેતરોમાં પાણી ભરાયા છે. એટલે વાવેતર નિષ્ફળ જેના કારણે અમારી દિવાળી ફેલ જ છે.
અમારી ટીમોને વિઝીટ માટે સૂચના અપાઈ છેઃ ખેતીવાડી અધિકારી ખેતીવાડી અધિકારી નિલેશ ભાઈએ જણાવ્યું કે, હમણાં વરસાદ થયો એના બે ત્રણ દિવસ પહેલા વાવેલા દિવેલા હશે અને એ ખેતરમાં પાણી ભરાયા હશે. તો તકલીફ થઈ હશે. મહેસાણા જિલ્લામાં બાજરી માંડ 11 હજાર હેકટર વાવેતર થયું છે. કપાસમાં 20 થી 25 ટકા જેવું નુકસાન હશે. હાલમાં અમારી ટીમોને વિઝીટ કરવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી છે.