Surat News : સામાન્ય રીતે નાના બાળકોથી માંડીને વડીલો બધાને જ આઇસક્રીમ ખાવો ગમે છે. પરંતુ સુરતના સચિન વિસ્તારના પાલી ગામમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં આઇસક્રીમ ખાધા બાદ 3 બાળકોને ઉલટી થવા લાગી હતી અને તબિયત લથડી હતી. ત્યારબાદ બાળકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 3 બાળકોના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય બાળકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.જોકે આઇસક્રીમ બાદ આ બાળકોએ તાપણું પણ કર્યું હોવાથી ધુમાડાના કારણે મોત નીપજ્યા છે કેમ? તે અંગે તપાસ ચાલુ છે. હાલમાં પરિવારે આઇસ્ક્રીમ ખાધા બાદ ત્રણેય બાળકીઓનું મોત થયું હોય તેવી તેવી આશંકા પરિવાર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
આ ઘટનાને પગલે શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના સચિન વિસ્તારના પાલી ગામથી દુખદ ઘટના સામે આવી છે. જેને તમામ માતા-પિતાને ચિંતામાં મુકી દીધા છે. શુક્રવારે રાત્રે 4 બાળકોએ આઇસક્રીમ ખાધો હતો, ત્યારબાદ તેમને ઉલટીઓ થતાં તબિયત લથડી હતી. જેથી પરિવારજનોએ તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા. શરૂઆતમાં તેમને એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા, ત્યારબાદ તેમને સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 3 બાળકોના મોત નિપજ્યા હતા અને 1 બાળકની હાલત ગંભીર હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. ઘટનાની જાણ થતાં સુરત મેયર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે. આઇસક્રીમના લીધે કે કોઇ અન્ય કારણોસર મોત નિપજ્યું છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ સાચું કારણ બહાર આવી શકશે.
તમામ મૃતક બાળકોની ઉંમર 14 વર્ષ કરતાં ઓછી છે. જેમાં અનિતા કુમાર મહંતો (ઉ.વ. 8 વર્ષ), દુર્ગા કુમારી (ઉ.વ. 12 વર્ષ) અને અમિતા મહંતો ( ઉ.વ. 14 વર્ષ) નો સમાવેશ થાય છે. હાલમાં મળતી માહિતી અનુસાર ત્રણેય બાળકીઓએ આઇસક્રીમ ખાધા બાદ તાપણું કર્યું હતું જેથી આઇસક્રીમના લીધે કે પછી તાપણાના ધુમાડાના લીધે બાળકીઓના મોત નિપજ્યા છે તે હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી. તમામ પ્રશ્નોના જવાબ પીએમ રિપોર્ટ બાદ મળી જશે અને મોતનું સાચું કારણ જાણી શકાશે.