Surat Corporation : સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતનો દેશમાં પહેલા ક્રમ બાદ હાલમાં લીગમાં સ્થાન મળી ગયું છે. પરંતુ આગામી સ્પર્ધામાં સુરતની ઇમેજ નેગેટિવ થાય તેવા ફોટોગ્રાફ અને ફીડબેક નેગેટિવ આપવાનો પ્રયાસ થયો હોવાની વાત બહાર આવતા પાલિકામાં ભુકંપ આવી ગયો છે. સ્વચ્છતા સર્વેક્ષણની નબળી કામગીરી શાસકો સુધી પહોંચી અને મ્યુનિ.કમિશનરનું ધ્યાન દોરતા મ્યુનિ. કમિશનરે પાલિકાના આરોગ્ય વિભાગમાં ધરખમ ફેરફાર કરી દીધા છે. બે અધિકારીઓની કમિશનરે શિક્ષાત્મક બદલી કરી છે. આ દરમિયાન પાલિકાના ડેપ્યુટી (કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ) એ રાજીનામું આપી દીધું છે.
સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરીમાં સુરત શહેર અગ્રેસર છે પરંતુ હવે સુરતનો આ ક્રમ જોખમમાં મુકાય તેવી સ્થિતિ છે તેની પાછળ પાલિકાના જ કેટલાક અધિકારીઓ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સુરત મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલે સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી સાથે સંકળાયેલા નોડલ ઓફિસર ડો.સ્વપ્નિલ પટેલની બદલી સ્મીમેરના પી.એમ. વિભાગમાં કરી દીધી છે. આ ઉપરાંત સોલિડ વેસ્ટ વિભાગના અધિકારી જ્વલંત નાયકની પણ બદલી કરી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગમાં તળિયા ઝાટક બદલી કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન પાલિકાના ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ ડો.આશિષ નાયકે નાદુરસ્ત તબિયતનું કારણ રજૂ કરી રાજીનામું આપી દીધું છે. જેના કારણે પાલિકામાં ધડકમ મચી ગયો છે અને અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.
પાલિકામાં એવી ચર્ચા ચાલી રહી છે કે, સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત અગ્રેસર છે અને હવે લીગમાં છે તેમ છતાં દિલ્હી ખાતે સર્વેક્ષણની કામગીરીમાં જે ફીડ બેક અને ફોટા અપલોડ કરવામાં આવી રહ્યાં છે તે નેગેટિવ છે તેવી માહિતી શાસકોને મળી હતી. તેઓએ ચેકીંગ કરતા મળેલી માહિતીમાં ઘણું તથ્ય હોવાનું બહાર આવ્યું હતું. સુરત શહેરની સ્વચ્છતાની ઈમેજને ફટકો પડે તેવી કામગીરી થતી હોવાનું જણાતા શાસકોએ મ્યુનિ.કમિશનરનું ધ્યાન દોર્યું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મ્યુનિ. કમિશનર પણ આ ફીડબેક જોઈને ચોંકી ઉઠ્યા હતા અને તેઓએ આરોગ્ય વિભાગમાં ચાલતી લાલિયાવાડી સામે બદલીનુ શસ્ત્ર ઉગામ્યું છે.
મેડીકલ ગ્રાઉન્ડ પર રાજીનામું આપ્યું છે : ડો.આશિષ નાયક
સુરત પાલિકા કમિશનર દ્વારા આરોગ્ય વિભાગમાં કરેલી તળિયા ઝાટક બદલી સાથે આરોગ્ય વિભાગના વડા ડો.આશિષ નાયકે રાજીનામું આપી દીધું છે. જોકે, આ અંગે ડો.નાયકે કહ્યું છે કે તેઓએ માત્ર મેડીકલ ગ્રાઉન્ડ પર જ રાજીનામું આપ્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણની વાત સાથે રાજીનામાને કોઈ લેવાદેવા નથી.