Bus Fire in Surat: ગત દિવસોમાં સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી 800થી વધુ દુકાનો આગની ચપેટમાં આવી ગઇ હતી. જેમાં 400થી વધુ દુકાનો બળીને ખાક થઇ ગઇ હતી. ત્યારબાદ હવે સુરત શહેરમાં વધુ એક આગનો બનાવ બન્યો છે. શહેર રસ્તા પર દોડતી બસમાં આગ લાગી ગઈ હતી.
સુરતમાં સારોલી-કડોદરા રોડ પર નિયોલ ચેકપોસ્ટ પાસે BRTS બસમાં આગ લાગી હતી. ગણતરીની મિનિટોમાં આખી બસ બળીને ખાક થઈ ગઈ હતી. ટાયરના ભાગથી આગ લાગી હોવાનો દાવો કરાઈ રહ્યો છે. બસમાં આગ લાગી ત્યારે કોઈ મુસાફર સવાર નહોતું. આસપાસમાં પસાર થઈ રહેલા વાહનચાલકો પણ થંભી ગયા હતા.
ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ
જો કે, સ્થાનિકો દ્વારા બસમાં રહેલા ફાયરના સાધનોની મદદથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ સફળતા ન મળી. ત્યારબાદ આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા પુણા અને સરથાણા ફાયર સ્ટેશનની બે જેટલી ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તાત્કાલિક ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસ અને ફાયરની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, બસમાં આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી.
બસમાં કોઈ મુસાફર સવાર નહોતું
આ અંગે ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર, કડોદરા સ્ટેશન પર મુસાફરોને ઉતારી પરત આવતી ઈલેક્ટ્રીક બસમાં ટેક્નિકલ ખામી હોવાથી કોઈપણ મુસાફરોને બેસાડવામાં આવ્યા નહોતા. રેડછા પાટીયા પાસે બસ પહોંચી ત્યારે અચાનક તેમાં આગ લાગી ગઈ હતી.