Surat Demolition : સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં પાલિકાના અનામત પ્લોટ ઉપરાંત અન્ય જગ્યાએ થયેલા દબાણ દૂર કરવાની કામગીરી ઝોન દ્વારા હાથ ધરવામાં આવી હતી. પાલિકાના શેલ્ટર હોમના રિઝર્વેશન પ્લોટ પર સ્થાનિકો દ્વારા મંદિર બનાવી દેવાયું હતું જેને દુર કરવાની કામગીરી વખતે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો, પરંતુ પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાએ લોકોના વિરોધ વચ્ચે ડિમોલીશની કામગીરી પૂરી કરી હતી. આ ઉપરાંત અન્ય એક રહેણાંક વિસ્તારમાં ઢોરનો તબેલો બનાવવામાં આવ્યો હતો તેને પણ દુર કરવાની કામગીરી કરવામાં આવી હતી.
સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં રિઝર્વેશન પ્લોટમાં ધાર્મિક બાંધકામ સહિતના દબાણ દૂર કરવાની કામગીરી આજે હાથ ધરવામાં આવી હતી. સુરત પાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી પાલિકાના અનામત પ્લોટ પરના દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીના કારણે પાલિકાને વિવિધ પ્રોજેક્ટ માટેની જગ્યા મળી રહી છે. લિંબાયત ઝોન દ્વારા મહાપ્રભુ નગર ખાતે શેલ્ટર હોમ માટે રિર્ઝેશન માટેની જગ્યામાં 10 વર્ષ પહેલા મંદિર બનાવી દેવામાં આવ્યું હતું. આ મંદિરનું ડિમોલિશન માટેની કામગીરી પાલિકાએ કરી હતી. આ કામગીરીમાં વિરોધ થાય તેવી શક્યત હોવાથી પાલિકાએ પોલીસ બંદોબસ્ત રાખ્યો હતો. પાલિકાએ લિંબાયત ઝોનના મહાપ્રભુ નગર ખાતે શેલ્ટર હોમ માટેની જગ્યામાં બનેલા મંદિરમાં ડિમોલીશન માટે પાલિકાની ટીમ ગઈ ત્યારે સ્થાનિકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોનો વિરોધ વચ્ચે પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે મંદિરના ડિમોલિશનની કામગીરી પૂરી કરી હતી.
આ ઉપરાંત લિંબાયત ઝોનમાં આવેલા પ્રિ.ટી.પી.સ્કીમ નં.40(લિંબાયત-ડિંડોલી), ફા.પ્લોટ નં 69 માં આવેલ શાંતિનગર-2 ના સબ પ્લોટ નં.01 પાસે આવેલ ખુલ્લી જગ્યામાં તથા લાગું ફા.પ્લોટ નં.59 માં આવેલ આસપાસ નગરની ખુલ્લી જગ્યામાં દબાણ કરી અનઅધિકૃત-ગેરકાયદેસર રીતે તબેલો બનાવી દેવામાં આવ્યો હતો. આ તબેલાનો શેડ અંદાજીત 600 ચો.ફુટ બાંધકામ દુર કરી અને તબેલાનું ન્યુસન્સ દુર કરવામાં આવ્યું હતું.