Surat Corporation : સુરત પાલિકાના અનામત પ્લોટ ભાડે આપવાનો વિવાદ ચાલી રહ્યો છે તેમાં પણ આ પ્લોટ ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોને આપ્યા હોવાની ફરિયાદ છે અને આ પ્લોટ લોકો માટે ન્સયુન્સ બની ગયાં છે. હવે આ પ્લોટ ભાડે લેનારાઓએ 800 કિલોથી વધુ વજનની લોખંડની ગ્રીલ બારોબાર વેચી મારી હોવાની ફરિયાદ સાથે આવી પ્રવૃત્તિ કરનારા સામે પોલીસ ફરિયાદ કરવા માટેની માંગણી પાલિકાના વિરોધ પક્ષે કરી છે.
સુરત પાલિકાએ પ્લોટ ભાડે આપ્યા છે તેમાં મોટાભાગના પ્લોટમાં કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી હતી તેને તોડીને દુકાનો બનાવી દેવામાં આવી છે. આ અંગે પાલિકાના વિપક્ષી કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ મ્યુનિ. કમિશ્નરને પત્ર લખ્યો છે. આ પત્રમાં ટીપી 17 (ફુલપાડા) એફપી 56, અને બીજો પ્લોટ ટીપી 16 (કાપોદ્રા) એફપી 44 આ બંને પ્લોટ માટે ફરીયાદ કરી છે. આ બન્ને પ્લોટમાં કમ્પાઉન્ડ વોલ હતી અને ઇજારદારને ભાડે આપતા આ બંને ઈજાદારોએ સુરત મહાનગરપાલિકાની કોઈપણ જાતની પરમિશન લીધા વગર કંપાઉન્ડ વોલ તોડીને પોતાનો ધંધો શરૂ કરી દીધો છે.
આ દિવાલ ઉપર પાલિકાએ લોખંડની ગ્રીલ પણ લગાવવામાં આવે છે, જે લગભગ 800 કિલો જેટલી લોખંડની ગ્રીલ પણ આ પ્લોટ માફીયાઓએ બારોબાર વેચી મારી છે, ટીપી 20 એફપી 192 માં પણ આવી રીતે લોખંડની ગ્રીલ કાઢીને વેચી દેવામાં આવી છે અને ત્યાં લોખંડના દાદર ઉભા કરી દેવામાં આવ્યા છે, એફપી 56 અને 44 માં વગર પરમિશને પતરાના શેડ બનાવીને ઉભા કરી દેવામાં આવ્યા છે, આ પ્લોટ માત્ર છ મહિના માટે ભાડે આપવામાં આવેલ છે તેમ છતાં લાંબા ગાળાના આયોજનથી પતરાના ડોમ અને શેડ ઉભા કરી દેવામાં જે ખોટું છે.
આવા ચોર માફિયાઓ આવા ઇજારા મેળવીને સુરત મહાનગરપાલિકાની સરકારી મિલકતોને અને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડે છે તેવા સામે પાલિકાનો સામાન વેચી નાખનાર આવા ઈજારદાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પોલીસ ફરિયાદ કરવામાં આવે તેમજ આ દિવાલ તાત્કાલિક બનાવી તેનો ચાર્જ તેની પાસેથી વસૂલવામાં આવે અને તેનો ઇજારો રદ કરી આવા ઈજારદારને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માગણી પત્રમાં કરવામાં આવી છે.