સુરત પાલિકા દ્વારા શહેરની પાણીની જરૂરિયાત પૂરી પાડવા માટે તબક્કાવાર સુરત શહેરમાં 24 કલાક પાણી પુરવઠો આપવા માટે કવાયત શરૂ કરી છે અને આગામી દિવસોમા આખા શહેરમાં વોટર મીટર થી પાણી આપવા માટે આયોજન થઈ રહ્યું છે. સુરત પાલિકાએ 24 કલાક પાણી યોજના હેઠળ શહેરમાં 5 હજાર મીટર જ્યારે પાલિકાના વિવિધ ઝોનમાં 13 હજાર જેટલા મીટર લગાવ્યા છે પરંતુ પાલિકાએ બિલ માટે જે એજન્સીને કામગીરી સોંપી છે તેની નબળી કામગીરીને પગલે હજી પણ 73 કરોડની વસૂલાત બાકી છે. આ વિવાદ ટાળવા માટે પાલિકાએ સેન્ટ્રલ વોટર મીટર સેલની રચના કરી છે કરી છે પરંતુ બાકી રકમ સહિત અનેક સમસ્યાના હલ માટે સેલ દ્વારા ખાસ આયોજન કરવું પડશે.
સુરત પાલિકાએ વર્ષ 2014-15 થી મીટરથી પાણી આપવા માટેની યોજના અમલમાં મુકી છે પરંતુ આ યોજનાને હજી સુધી કોઈ સફળતા મળી નથી. પાલિકાએ બિલ માટે જે એજન્સીને કામગીરી સોંપી હતી તે એજન્સીની કામગીરી ઘણી જ નબળી છે જેના પગલે લોકોને એક સાથે અનેક મહિનાના બિલ મળી રહ્યાં છે. આ ઉપરાંત અનેકને બિલ મળતા નથી તેવી પણ અનેક ફરિયાદ છે. આવા સંજોગોમાં સુરત પાલિકાને આર્થિક નુકસાન થઈ રહ્યું છે અને 24 કલાક પાણીની યોજનાનો વિરોધ પણ થઈ રહ્યો છે. આ વિવાદ ટાળવા અને પાલિકાની આવક વધે તે માટે પાલિકા કમિશઅનરે અલાયદો સેન્ટ્રલ વોટર મીટર સેલ ઉભો કર્યો છે.
સેન્ટ્રલ વોટર મીટર સેલ માટે 24 કલાક પાણીની યોજના માટે બાકી પૈસા લેવા માટે મોટો પડકાર છે. સુરત પાલિકાએ 24 કલાક પાણીની યોજના અંતર્ગત 59991 મીટર ઈન્સ્ટોલ કર્યા છે પરંતુ હજી સુધી 30 કરોડ રૂપિયાની વસૂલાત બાકી રહી છે. આ ઉપરાંત પાલિકાના વિવિધ ઝોનમાં 13224 મીટર લગાવ્યા છે તેની સામે 62 કરોડ રૂપિયા ની વસુલાત કરવાની થતી હતી પરંતુ માત્ર 19 કરોડની જ વસુલાત થતાં 43 કરોડની વસૂલાત બાકી છે. આમ ઝોન અને 24 કલાક યોજના મળીને 73 કરોડથી વધુની વસુલાત બાકી છે તેને માટે સેન્ટ્રલ વોટર મીટર સેલ દ્વારા ખાસ આયોજન કરવું પડશે.