Surat Corporation : સુરતના વરીયાવ અમરોલી રોડ પર ખુલ્લી ગટરમાં બે વર્ષીય બાળકનું મોત બાદ ભારે ઉહાપોહ થયો હતો. આ બાળકનો મૃતદેહ 24 કલાક બાદ મળી આવ્યો હતો. આ દુર્ઘટનામાંથી પાલિકાએ પાઠ ભણીને પાલિકાના ડ્રેનેજ વિભાગને વધુ અદ્યતન બનાવવા માટે જીઆઈએસ મેપિંગ કરવા સાથે નીચે દટાયેલા મશીન હોલના ફેમ કવર શોધવા માટે મેટર ડિટેક્ટરની ખરીદી કરવાની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે.
સુરત પાલિકા વિસ્તારમાં 2034 કિલોમીટર લાંબુ ભુગર્ભ સુએજ નેટવર્ક છે અને જુદા-જુદા વિસ્તારોમાં 66 પમ્પીંગ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે. જેમાંથી ડ્રેનેજનું પાણી 11 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પહોંચે છે. 27 નવા પમ્પીંગ સ્ટેશન સાથે નવી 316.82 કિલોમીટરના ભુગર્ભ સુએજ નેટવર્ક માટે આયોજન થઈ રહ્યું છે. સુએજ ડ્રેનેજ નેટવર્કના કુલ્લે અંદાજીત 81,867 નંગ મશીનહોલ અને સ્ટોર્મ ડ્રેનેજ નેટવર્કના કુલ્લે અંદાજીત 18,818 નંગ મશીનહોલ આવ્યા છે. હાલમાં બનેલી ઘટના બાદ ડ્રેનેજ વિભાગને ટેકનોલોજીથી સજ્જ કરવા માટે આયોજન કરાયું છે. આધુનિક મશીનરી સાથે સાથે હવે ડ્રેનેજ લાઈનને વધુ અધતન બનાવવા માટે GIS મેપિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટેકનોલોજીના કારણે ડ્રેનેજ લાઈન તેમજ ચેમ્બર કઇ દિશામાં છે તેની સચોટ માહિતી એપ્લિકેશન થકી ત્વરીત મેળવી શકાશે અને કોઈ ઘટના બને તો તેવા સંજોગોમાં આવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી પાલિકા સચોટ અને ઝડપી માહિતી મેળવી સમસ્યાનું ઝડપથી નિરાકરણ કરી શકશે.
આ ઉપરાંત મેન હોલ ઘણી વખત રોડ નીચે દબાઈ ગયા હોય છે તેના લોકેશન મળી રહે તે માટે ઘણી મુશ્કેલી પડે છે તેથી જમીનમાં દટાયેલા મશીન હોલના ફેમ કવર શોધવા માટે મેટલ ડિટેકટર ખરીદવા જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે.
104 મીટર ઉંચા હાઈડ્રોલિક પ્લેટફોર્મ સાથે થર્મલ ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ થશે
હાલમાં જ સુરતના રીંગરોડ પર આવેલી શિવ શક્તિ માર્કેટની આગમાંથી પાલિકાએ પાઠ ભણ્યો છે અને આવા પ્રકારની આગમાં વધુ સારી કામગીરી થાય તે માટે થર્મલ ડ્રોન કેમેરા ખરીદવા સાથે 104 મીટર ઉંચા હાઈડ્રોલિક પ્લેટફોર્મ ખરીદવા માટેની જોગવાઈ કરવમા આવી છે.
સુરતમાં હાઇરાઇઝ બિલ્ડીંગો, ટેક્સટાઇલ માર્કેટ, ઔદ્યોગિક સંકુલો, પેટ્રોલ પંપો, જરીના કારખાના, ટેક્ષટાઇલ્સ પ્રોસેસ યુનિટ જેવી ઇમારતમાં આગ તથા જૂની જર્જરિત ઇમારતો કોલેપ્સ થવાના કોલ ફાયર વિભાગને મળે છે. આગ અકસ્માતના સમયે ફાયર ફાઈટિંગ કરતી અને બચાવ કાર્ય કરતી ટીમને દરેક ઈમારતનું ટોપોગ્રાફી કલ માહિતી નહિં હોવાથી બચાવની કામગીરીમાં વિલંબ થાય છે તેવું અનેક વખત બહાર આવ્યું છે. આવા કિસ્સામાં ડ્રોનની મદદથી ઈમારતોની દરેક તરફથી પરિસ્થિતિને નિહાળી શકાય અને ઈમારતમાં કઈ જગ્યાએ માણસો ફસાયેલા છે તે પરિસ્થિતિની ભાળ પણ મળે તે માટે ડ્રોન કેમેરા ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ ડ્રોનમાં નોર્મલ ડીજીટલ કેમેરાની સાથે થર્મલ ઇમેજિંગ કેમેરા હોવાને કારણે ઈમારતમાં લાગેલી આગમાં ધુમાડામાં કયાં માણસ ફસાયેલા છે તે જાણી શકાશે. થર્મલ કેમેરા ડ્રોન રીઅલ-ટાઈમ હાઈ-રિઝોલ્યુશન થર્મલ ઇમેજિંગ અને વિડિયો બચાવ કામગીરી કરનારી ટીમને મળી જશે. ડ્રોન ઉપર સજ્જ થર્મલ કેમેરા તાપમાનની વિસંગતતાઓ અને હોટ સ્પોટને વધુ ચોકસાઈ સાથે શોધવામાં વધુ અસરકારક રહેશે. રિમોટ દ્વારા ડ્રોનને નિયંત્રિત કરી શકાય છે તેમજ અન્ય સ્થળેથી ઈન્સ્પેકશન પણ થઈ શકશે.
આ ઉપરાંત સુરત પાલિકા પાસે હાલમાં 96 મીટર ઊંચાઈ ધરાવતા હાઈડ્રોલિક પ્લેટફોર્મ છે પરંતુ શહેરમાં બહુમાળી બિલ્ડીંગની સંખ્યામાં વધારો થાય છે અને તેમાં જો આગ લાગે તો ફસાયેલા વ્યક્તિની બચાવ કામગીરી તેમજ ફાયર પ્રિવેન્શન માટે 104 મીટર ઊંચાઈ ધરાવતું હાઈડ્રોલિક પ્લેટફોર્મ ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ હાઈડ્રોલિક પ્લેટફોર્મ 360 ડિગ્રી ફરી શકે અને વધુ વ્યક્તિઓને બચાવ કામગીરીમાં મદદરૂપ થાય તેવું રહેશે.