Surat Corporation : સુરત મહાનગરપાલિકાની ગઈકાલ(શુક્રવાર)ની સામાન્ય સભામાં હજીરાના ઉદ્યોગને પાણી આપવા માટેની દરખાસ્ત દફતરે કરવા અને વિવાદી કાર્યપાલક ઈજનેરને સસ્પેન્ડ કરવાના મુદ્દે તોફાની બની હતી. ટેન્ડર દફતરે કરાતા મોટું કૌભાંડ થતું રહી ગયું હોવાનું જણાવી ભાજપના કોર્પોરેટરે કામગીરી કરનારા મ્યુનિ. કમિશનર પર અભિનંદનનો વરસાદ વરસાવ્યો હતો. તો બીજી તરફ વિપક્ષે સસ્પેન્ડેડ કાર્યપાલક ઈજનેરને સામાન્ય સભા બોલાવી જાહેર ખુલાસો પુછવા વિપક્ષની માંગણીથી હોબાળો થયો હતો. આ મુદ્દે શાસકોને ભીંસમાં લેવા જતાં વિપક્ષ જ ભેરવાઈ ગયો હતો. આ કિસ્સામાં ભાજપે મ્યુનિ. કમિશ્નરને અભિનંદન આપ્યા તો વિપક્ષના એક કોર્પોરેટરે આ પ્રકરણમાં મ્યુનિ. કમિશનરને પણ જવાબદાર ગણાવ્યા હતા.
શુક્રવારની સુરત પાલિકાની સામાન્ય સભામાં સામાન્ય સભામાં અસારમાં ખાતેના સુચિત ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટનો મુદ્દો ગાજ્યો હતો. મ્યુ કમિશ્નરે વહીવટી પ્રક્રીયામાં ગંભીર બેદરકારી દાખવનાર કાર્યપાલક ઇજનેર કેતન દેસાઈને સસ્પેન્ડ કરવા સાથે ટેન્ડર દફતરે કરવાનો નિર્ણય કરતા સામાન્યસભામાં શાસક પક્ષના કોર્પોરેટરોએ મ્યુનિ. કમિશનર પર અભિનંદનનો વરસાદ વરસાવી દીધો હતો. કાર્યપાલક ઈજનેર કેતન દેસાઈને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત રજુ કરનારા સ્થાયી અધ્યક્ષ રાજન પટેલ ઉપરાંત ભાજપના ધમેશ વાણીયા વાલા, મનીષા આહીર, રાજેશ જોડીયા, વિજય ચૌમલ, વ્રજેશ ઉનડકટ, ચીમન પટેલ, હિમાંશુ રાઉલજી, સહિતના કોર્પોરેટરોએ આ કામગીરી બદલ મ્યુનિ. કમિશ્નરને ભરપેટ વખાણ કર્યા હતા અને અભિનંદન આપ્યા હતા.
જોકે, આ મુદ્દે પૂર્વ વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ સસ્પેન્ડેડ કાર્યપાલક ઈજનેર કેતન દેસાઈને ખાસ સામાન્ય સભા બોલાવીને રુબરુ સાંભળવા જોઈએ તેવી માંગણી કરતા હોબાળો મચી ગયો હતો. ભંડેરીએ કહ્યું હતું કે, પાલિકાના પાંચ કરોડથી વધુના જે પણ પ્રોજેકટો હોય તેની પર ભુતકાળમાં પદાધિકારીઓ દ્વારા સતત નજર રાખવામાં આવતી હતી. પરંતુ છેલ્લા દોઢ-બે વર્ષથી કરોડો રૂપિયાના પ્રોજેકટોનું સંચાલન કંઇ રીતે થઇ રહ્યું છે તેની પર પદાધિકારીઓની નજર નહોવાને કારણે ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવા કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. કેતન દેસાઇને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પરંતુ તેમને એક વખત સામાન્ય સભામાં બોલાવીને જાહેરમાં ખુલાસો પૂછવામાં આવે કે કયા કારણોસર આ ગંભીર ભૂલ થઇ છે. આ ઉપરાંત આ કામગીરી દોઢ વર્ષથી ચાલતી હોય તેમાં મ્યુનિ. કમિશનર પણ જવાબદાર હોવાનું તેઓએ જણાવ્યું હતું.
ભંડેરીએ વધુમાં કહ્યું હતું કે આ પ્રોજેક્ટના કારણે પાલિકાને વર્ષે 200 કરોડની આવક થાય તેમ છે પરંતુ આ ટેન્ડર દફતરે કરી દેવાતા કેન્દ્ર સરકાર દ્વારા 108 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી હતી તે પણ લેપ્સ થઈ ગઈ છે. ઉપરાંત તેઓએ આક્ષેપ કરતા કહ્યું હતું કે પાલિકાના અધિકારીઓ કોન્ટ્રાક્ટર અને કન્સલ્ટન્ટ સાથે મળીને ટેન્ડર બનાવી રહ્યાં છે. જોકે, મેયરે તેમને બેસી જવા માટે સુચના આપી હતી પરંતુ તેઓ નહીં બેસતા તેમને સસ્પેન્ડ કરી દેવાતા હોબાળો થયો હતો. મામલો ગરમાતા મેયર દક્ષેશ માવાણીએ એક સાથે તમામ કામો મંજુર કરી સામાન્ય સભા આટોપી લીધી હતી. ભાજપ શાસકો દાદાગીરી કરીને વિપક્ષનો અવાજ દબાવી રહ્યા હોવાનો આક્ષેપ વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ કર્યો હતો. આ પ્રકારે સામાન્ય સભા પુરી થતાં વિપક્ષે ભાજપ શાસકોને મંજીરા આપતા કહ્યું હતું કે, સામાન્ય સભામાં વિપક્ષને સાંભળવાની તાકાત ના હોય તો શાસકોએ ઘરે બેસી મંજીરા વગાડવા જોઈએ.