ભાવનગર શહેર જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી ફૂંકાઈ રહેલા હિમ પવનોને પગલે શીતલહેર અકબંધ રહેવા પામી છે. આ હાડ થીજવતી ઠંડીની લોકો પર વ્યાપક અસરો જોવા મળી રહી છે. ત્યારે આગામી પાંચ દિવસ આ વાતાવરણ યથાવત્ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
.
સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનો દોર ચાલી રહ્યો છે. જમ્મુ-કશ્મીર સહિતના રાજ્યોમાં થઈ રહેલી અવિરત બરફ વર્ષાને પગલે હિમાલયપરથી આવતા ઠંડા પવનો સાથે થતી હિમવર્ષાથી તિવ્ર ઠંડીના મોજા તિવ્ર ઝડપે રાજ્યો પાર કરી ગુજરાતમાં પ્રવેશે છે અને ગુજરાત પરથી આગળ અરબી સમુદ્ર તરફ આગળ ગતિ કરી રહ્યાં છે, આ ભેજ વિનાના પવનોની ગતિ યથાવત્ રહેતા રાજ્યના અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાન ઉતરોતર ઘટી રહ્યું છે.
ભાવનગર જિલ્લો દરિયા કિનારે વસેલો હોય અને જિલ્લાનો મોટાભાગનો હિસ્સો મેદાની પ્રદેશ જેવો છે આથી ઠંડીનું મોજું ઝડપથી પ્રસરી જાય છે. ગઈકાલે શિયાળાની સિઝનનું તાપમાન 13.8 ડિગ્રી નોંધાયું હતું, સોમવારે રાત્રે ટાઢાબોળ પવન ઝંઝાવાતની જેમ 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા આજે મંગળવારે વહેલી સવારથી 34 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હિમ ભર્યા પવન ફૂંકાયો હતો, મોડી રાત સુધી થરથર ધ્રુજાવતી “ટાઢ” અકબંધ રહી હતી.
આમ, ગઈકાલે રાત્રે મહત્તમ તાપમાન 26.8 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 13.6 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 34 ટકા અને પવનની ઝડપ 12 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી, લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 66 ટકા અને પવનની ઝડપ 34 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી, આમ લઘુતમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઘટાડાના કારણે ઠંડીનું જોર વધ્યું હતું, આમ, ઘીમે ધીમે શહેરભરમાં ગુલાબી ઠંડી જામતી જાય છે.