દેવગઢ બારીઆમાં મહારાજા જયદીપસિંહજી મહારાઉલ ઉદ્યાન ખાતે આવેલું સુલભ શૌચાલય છેલ્લા બે મહિનાથી બંધ હાલતમાં છે. જેના કારણે રોજ ઉદ્યાનમાં ફરવા આવતા દરરોજના અંદાજીત 500થી વધુ નગરજનો, બાળકો અને વૃદ્ધોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
.
દેવગઢષબારીઆ નગરપાલિકાએ શૌચાલયનું સંચાલન ખાનગી એજન્સીને સોંપ્યું છે. આ એજન્સીની નબળી કામગીરી અને નગરપાલિકાની ઢીલી દેખરેખના કારણે આ સમસ્યા ઉભી થઈ છે. વધુમા શૌચાલયની મુતરડી આગળ કાંટા મૂકી દેવામાં આવ્યા છે.
દેવગઢ બારીઆ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ધર્મેશ કલાલે દિવ્ય ભાસ્કરને જણાવ્યા અનુસાર, શૌચાલયનુ સંચાલન કરતી એજન્સીને બેદરકારી બદલ નોટિસ આપવામાં આવી છે. બીજી નોટિસ આપવાની કાર્યવાહી પણ ચાલુ છે. તેમણે શૌચાલય જલદીથી ચાલુ કરવાની ખાતરી આપી છે.
દેવગઢ બારીઆ નગરપાલિકાના ચીફ ઓફિસર વૈશાલી નિનામા સાથે ટેલીફોનીક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમણે ફોન ઉપાડ્યો ન હતો, જે બાબત નગરપાલિકા તંત્રની જનતા પ્રત્યેની ઉદાસીનતા દર્શાવે છે.
હાલમા યોજાયેલ દેવગઢ બારીઆ નગરપાલિકાની ચુંટણીમા ભાજપને ભારે બહુમતીથી સત્તામાં બેસાડનાર નગરજનોને આજે મૂળભૂત સુવિધા માટે હાલાકી વેઠવી પડી રહી છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને આની સૌથી વધુ અસર થઈ રહી છે. જો નગરપાલિકા દ્વારા ઝડપી પગલાં નહીં લેવાય તો લોકોનો રોષ વધુ ઉગ્ર બની શકે છે.
ત્યારે હવે દેવગઢ બારીઆ નગરપાલિકા તાત્કાલિક અસરથી બંધ પડેલું શૌચાલય શરૂ કરે તે અત્યંત જરૂરી બની છે ત્યારે આ બંધ પડેલુ શૌચાલય દેવગઢ બારીઆ નગરપાલિકાના સત્તાધિશો કેટલા સમયમાં શરૂ કરે છે તે જોવાનું રહેશે.