Bharuch News : ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કલાદરા ગામની મહિલા જેલીબેનને દરગાહમાં હાજરી આવતા પરિવારની બે નિર્દોષ મહિલા ઉપર ડાકણનો આરોપ મુકતા ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કોસંબા પોલીસ સ્ટેશનની મદદથી સફળ પર્દાફાશ કર્યો હતો. જેલીબેન ભગુભાઈ આહિરે ભુલ કબુલી, માફી માંગતા મામલો થાળે પડયો હતો. કીમ પાસેની દરગાહ સંબંધી જાથાને ચોંકાવનારી માહિતી મળી હતી. માનસિક દર્દીઓ મોતને પૈગામ આપવાને તિલાંજલિ આપી મેડિકલ સારવાર લેવા સંબંધી પીડિતોને સલાહ આપી હતી.
ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આજે પણ અંધશ્રદ્ધાના કિસ્સાઓ જોવા મળે છે. આજે પણ આદિવાસી વિસ્તારોમાં બિમારી વ્યક્તિને ડૉક્ટર પાસે લઇ જવાના બદલે ભૂવા મોલવી પાસે લઇ જવાના કિસ્સાઓ સામે આવે છે. ત્યારે આવો જ એક કિસ્સો ભરૂચના વાગરા તાલુકાના કલાદરાથી સામે આવ્યો છે. જેમાં બે નિર્દોષ મહિલા ઉપર ડાકણનો આરોપ મુકતા જાથાની ટીમે પર્દાફાશ કર્યો છે.
મમ્મીને ડાકણના આરોપમાંથી મુક્ત કરાવવા માગી મદદ
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના કલાદરા ગામના પરેશ આહિર અને ઠાકોરભાઇએ જણાવ્યું હતું કે અમારા કુંટુંબના જેલીબેનનો પરિવાર કીમ પાસે આવેલી દરગાહમાં ગુરૂવાર ભરવા જાય છે. જ્યાં તેમને સવારી આવતાં મારી મમ્મી જશુબેન ઉર્ફે જશીબેનને ડાકણ જાહેર કરી હતી, જ્યારે દેવીબેન મેલીવિદ્યા જાણે છે. આ લોકો રાત્રે બિલાડી, ઉંદરડીનું રૂપ ધારણ કરી બધાને હેરાન, અશાંતિ ફેલાવે છે. જેથી સત્ય સામે લાવવા અને મારી મમ્મીને નિર્દોષ જાહેર કરી ડાકણના આરોપના મુક્તિ અપાવવા માટે જાથાની ટીમની મદદ માંગી હતી.
જાથાના ચેરમેને જયંત પંડયાએ ડાકણનો આરોપ મુકનારનો પર્દાફાશ કરવા ગાંધીનગર મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારી, સુરત રૂરલ જિલ્લા પોલીસ વડાને પત્ર મોકલી પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી હતી. રૂરલ એસ.પી. એ કોસંબા પોલીસ સ્ટેશનને જરૂરી સુચના મોકલી દીધી હતી. તપાસ બે ભાગમાં વહેંચી વિશેષ પુરાવા એકઠા કરવાનું નક્કી કરી સ્થાનિક કાર્યકરોને કોસંબા પો. સ્ટેશને પહોંચી જવાનું કહ્યું હતું.
પોલીસને જોઈ શરૂ કર્યું ધૂણવાનું નાટક
ત્યારબાદ જાથાની ટીમના સદસ્યો દરગાહમાં હાજર રહી જેલીબેન ઉપર દેખરેખ રાખતા હતા. દરગાહની બહાર આવતાની સાથે કલાદરા ગામના બંને આહિર પરિવારો ભેગા થઈ ગયા. જેલીબેન બહાર આવતાની સાથે પરિસ્થિતિનો તાગ મળી જતા ધૂણવા લાગ્યા, કૂદકા મારવા લાગ્યા, મહિલા પોલીસ તેમજ જાથાની મહિલા સદસ્યએ પકડીને ગાડીમાં બેસાડયા, પરંતુ ત્યાં પણ ધૂણવાનું ચાલુ રાખ્યું. ખોટી ધૂણતી હોય કડક શબ્દોમાં વાત કરતાં શાંત પડી ગઈ હતી.
ભાંડો ફૂટતા લેખિતમાં માગી માફી
ત્યારબાદ જેલીબેન પાસે ડાકણનો આરોપની સાબિતી માંગી હતી. જેલીબેનના પતિ, દિકરો સંજય માફી માગવા લાગ્યા હતા અને કહ્યું કે જેલીબેન ખોટું બોલ્યા છે, પોતે કબુલી લીધું કે મેં ઈર્ષા અને દ્વેષને કારણે ખોટું નામ લીધું છે. મને કોઈ હાજરી, સવારી આવતી ન હોવાનું કબલ્યૂ હતું. ડાકણનો આરોપ મુકનારે બંને મહિલા જશુબેન અને દેવીબેન નિર્દોષ છે, તેની તેના પરિવારની માફી માંગી લેતાં મામલો થાળે પડ્યો હતો અને પરસ્પર તકરાર ન કરવા બંને પક્ષો સહમત થયા હતા.