અમેરિકન કોન્સ્યુલેટ જનરલની ત્રણ પ્રબુદ્ધ મહિલા અધિકારીઓએ ગણપત યુનિવર્સિટીની વિશેષ મુલાકાત લીધી હતી. જેમાં સેમિકન્ડક્ટર સહિત વિવિધ ઉદ્યોગ ક્ષેત્રે કેવા કેવા સહયોગ સાધી શકાય તે વિષે ગંભીર વિચાર વિમર્શ થયો હતો.
.
આ ત્રણેય મહેમાનોની ગણપત યુનિવર્સિટીની મુલાકાતનો હેતુ ગણપત યુનિવર્સિટીના પચાસ હજાર જેટલા વૃક્ષોથી આચ્છાદિત પરિસર જોવા ઉપરાંત યુનિવર્સિટીની અનેકવિધ માળખાકીય શૈક્ષણિક સુવિધાઓ, સેન્ટર્સ ઓફ એક્સેલન્સીસ, કેમ્પસ ઉપરનું જહાજ, 360 ડીગ્રી સિમ્યુલેટર, થ્રી-ડી પ્રિન્ટિંગ ઈક્વિપમેન્ટ્સ સહિત ઘણી શૈક્ષણિક વિશેષતાઓ નીરખવાનો અને પરસ્પર સહયોગની મહત્વપૂર્ણ સંભાવનાઓ ચકાસવાનો હતો.
મહેમાનોનું ભારે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને એમની સાથે ગણપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ ( દાદા ), પ્રો ચાન્સેલર અને ડાયરેક્ટ જનરલ પ્રો. ડો. મહેન્દ્ર શર્મા, પ્રો વાઇસ પ્રો. ડો. સત્યેન પરીખ, પ્રો. ડો. સૌરભ દવે, યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર ડો. ગિરીશ પટેલે વિચાર વિમર્શની બેઠક યોજી હતી. જેમાં અમેરિકા અને ભારતના ઉદ્યોગો અને શિક્ષણ સંસ્થાઓ વચ્ચે કેવી રીતે પરસ્પરનો સહયોગ સાધી શકાય એ વિશે વિષદ ચર્ચાઓ કરવામાં આવી હતી.
ઉપરોક્ત ચર્ચા-વિચારણામાં યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપતભાઈ પટેલે જણાવ્યું હતું કે, સેમિકન્ડક્ટરના ઉત્પાદનમાં અમેરિકા માટે ભારત એક વિશ્વાસપાત્ર અને સશક્ત ભાગીદાર-સહયોગી બની શકે તેમ છે. ગણપત યુનિવર્સિટીની બૌદ્ધિક પ્રતિભાને લક્ષમાં લઈને ગણપતભાઈ પટેલે ઉમેર્યું હતું કે, જો અમેરિકન કંપનીઓ ભાગીદારી માટે જોડાય તો મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ગણપત યુનિવર્સિટીનો સહયોગ એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે તેમ છે.
ગણપત યુનિવર્સિટીના પ્રો ચાન્સેલર અને ડાયરેક્ટર જનરલ પ્રો. ડૉ. મહેન્દ્ર શર્માએ વિચાર વિમર્શમાં પોતાનો મત દર્શાવતા જણાવ્યું કે, યુનિવર્સિટી જ્યારે પોતાના વિશેષ આયામ ” ઇન્ડસ્ટ્રી ઇન ઇન્સ્ટિટયૂટ” અને “ઇન્સ્ટિટયૂટ ઇન ઇન્ડસ્ટ્રી ” સાથે આગળ વધી રહી છે ત્યારે ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત પ્રમાણે ” એકેડેમિક ઈનિશેટિવ’નો સારો સુમેળ સાધી શકાય એમ છે. અત્યારે ગણપત યુનિવર્સિટી શૈક્ષણિક ક્ષેત્રે “ઇન્ડિયા-અમેરિકા ” સહયોગનું એક શ્રેષ્ઠ સ્થાન બની ઉભરી રહી છે જેના કારણે યુનિવર્સિટી દરેક ઉદ્યોગ ક્ષેત્ર માટે સર્જનાત્મક ઉકેલો ઓફર કરવા સજ્જ છે !
અમેરિકન કોન્સ્યુલેટ જનરલની મુંબઈ ખાતેની ઓફિસના ઊંચા દરજ્જાના મહિલા અધિકારીઓની આ મુલાકાતમાં યુનિવર્સિટીના ફ્યુચર ટેકનોલોજી વિભાગના ડીન પ્રો.ડો.રાકેશ વણઝારાએ એક પ્રેઝન્ટેશન દ્વારા ગણપત યુનિવર્સિટીના એડવાન્સમેન્ટ્સ અને સંભવિત તકોની માહિતી પૂરી પાડી હતી જે સહયોગ માટે મહત્વની હોય.
આ ચર્ચા વિચારણામાં “ઇન્ટરનેશનલી ક્રિટિકલ” એવા ત્રણ મુદ્દાઓ કેન્દ્રમાં રહ્યા હતા 1. સેમિકન્ડક્ટર્સ, 2. ક્લીન એનર્જી 3. ફાર્માસ્યુટિકલ્સ.
ગણપત યુનિવર્સિટીએ આ ત્રણે ક્ષેત્રે પોતે સાધેલી સિદ્ધિઓને દર્શાવી અને સંભવિત સહયોગ વિશે ચર્ચા કરી આ દિશામાં શું શું નવા આયામો સર્જી અને વિકાસ સાધી શકાય તે પણ જણાવ્યું હતું. સીતા રાઇટરે અમેરિકાના વિદ્યાર્થીઓ માટે નવા નવા શૈક્ષણિક અભ્યાસક્રમો વિકસાવવા અંગે ઉત્સાહ દાખવ્યો હતો અને અમેરિકાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે કેટલાંક “વર્ચ્યુઅલ ” સર્ટિફિકેટ પ્રોગ્રામ તૈયાર કરી શકાય એવો પણ વિચાર રજૂ કર્યો હતો. મહેમાનોએ સમગ્ર યુનિવર્સિટી કેમ્પસની વિઝીટ કરી યુનિવર્સિટીની વિવિધ કોલેજો, સેન્ટર્સ ઓફ એક્સલન્સ અને બીજી અનેક વિશેષતાઓ નિહાળી હતી અને તેની સરાહના પણ કરી હતી.