Surat Corporation : હજીરાના ઉદ્યોગ ગૃહ એએમએનએસને આસરમા ખાતે સેકેન્ડરી ટ્રીટેડ વેસ્ટ વોટર સમ્પ અને 200 એમએલડી ક્ષમતાનો ટર્સરી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવી ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ પાણી આપવાની કામગીરી માટેના ટેન્ડર દફતરે થયા બાદ વિવાદી ટેન્ડર માટે કામગીરી કરતા કાર્યપાલક ઈજનેરને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત આજે સામાન્ય સભામાં રજુ થઈ હતી. આ ટેન્ડર દફતરે કરાતા મોટું કૌભાંડ થતું રહી ગયું હોવાનું જણાવી કમિશનરને અભિનંદન આપ્યા હતા.
આ દરખાસ્ત રજૂ કરનારા સ્થાયી સમિતિ અધ્યક્ષે તો રાજ્ય સરકારની જેમ પાલિકામાં પણ ઓપરેશન ગંગાજળ જેવી કામગીરીના સંકેત આપતા કહ્યું હતું, કે, પાલિકાનો એક પણ અધિકારી નાણાની ઉચાપત કરતા પકડાશે તો અધિકારીએ ઘરે નહી જેલમાં પણ બેસવાની તૈયારી રાખવી પડશે. આવું કહીને પાલિકામાં પણ સરકારની જેમ ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે આકરા પગલાં ભરવા માટેના સંકેત આપવામાં આવ્યા છે. હજીરાના ઉદ્યોગ એએમએનએસને પાણી આપવા માટેની દરખાસ્તના કારણે મોટો વિવાદ ઉભો થયો હતો તે વિવાદી ટેન્ડર દફતરે કરવા સાથે મ્યુનિ. કમિશ્નરે આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અને વિવાદી દરખાસ્તની કામગીરી કરનારા પાલિકાના કાર્યપાલક ઈજનેર કેતન દેસાઈને સસ્પેન્ડ કરી દીધા હતા. આ અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં મંજુર કર્યા બાદ શુક્રવારે પાલિકાની મળેલી સામાન્ય સભામાં વધારાના કામ તરીકે દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. આ દરખાસ્ત રજુ કરતા સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે કહ્યું હતું કે, આ પ્રકરણમાં કાર્યપાલક ઇજનેર કેતન દેસાઇની ભુંડી ભુમિકા બહાર આવતા મ્યુનિ. કમિશ્નરે તાત્કાલિક અસરથી કેતન પટેલને સસ્પેન્ડ કરી દીધા છે. ગુજરાતની ભાજપ સરકારના શાસનમાં અનેક ભ્રષ્ટ અધિકારીઓને ઘરે બેસાડી દેવામાં આવ્યા હોવાના અનેક કિસ્સા બન્યા છે
તેઓએ વધુમાં કહ્યું હતું કે, મ્યુનિ. કમિશ્નરે દરખાસ્ત દફતરે કરતાં કૌભાંડ થતું રહી ગયું છે. આ પ્રકરણમાં મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી છે અને આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેઓએ અધિકારી-કર્મચારીઓને સામાન્ય સભામાંથી ચીમકી આપતા કહ્યું હતું કે હવે પછી કોઈ પણ પાલિકાનો કોઈ પણ અધિકારી કે કર્મચારી નાણાંની ઉચાપત કે કૌભાંડ કરતો ઝડપાશે તો તેણે ઘરે જ નહી જેલમાં પણ બેસવાનો વારો આવશે. આમ સરકાર દ્વારા કૌભાંડના કિસ્સામાં દાખલારૂપ કામગીરી કરવા માટેની ગાઈડલાઈન આપી હોવાનું પણ કહી દીધું હતું.