Vadodara : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ દ્વારા અગાઉ રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીને ડમી શાળાઓની તપાસ કરી આવી શાળાઓ બંધ કરવાનો પરિપત્ર જાહેર કર્યો હતો. જેના અનુસંધાનમાં વડોદરામાં કેટલી ડમી શાળાઓ તપાસમા મળી છે અને શું પગલાં લીધા છે તેની જાણકારી વડોદરા શહેર કોંગ્રેસે માગી છે.
આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા શિક્ષણ અધિકારીને તારીખ 14 એપ્રિલે ડો. આંબેડકર જન્મ જયંતી નિમિત્તે મકરપુરા વિસ્તારમાં ફિનિક્સ સ્કૂલ રજાનો દિવસ હોવાથી છતાં ચાલુ રાખવામાં આવતા સરકારી આદેશનું ઉલ્લંઘન કર્યું હોવાના આક્ષેપ સાથે પગલાં લેવાની માંગણી કરી આવેદનપત્ર સુપ્રત કર્યું, ત્યારે ડમી સ્કૂલનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખે આ ઉપરાંત કન્સેપ્ટ સ્કૂલમાં કેવા પ્રકારનું શિક્ષણ અપાય છે તેની માહિતી પણ આપવાની માંગ કરીને ગુજરાત શિક્ષણ બોર્ડ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડના ધારા ધોરણ મુજબ વડોદરાની તમામ શાળાઓમાં ફાયર એનઓસી, બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટ, સ્કૂલ ગ્રાઉન્ડ, બોર્ડના પરમિશન લેટર વગેરેની પણ તપાસ કરવા રજૂઆત કરી હતી.