વડોદરા,સગીરા સાથે દુષ્કર્મ કરનાર આરોપી સામેનો કેસ અદાલતમાં ચાલી જતા આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા કરવામાં આવી છે.
વાડી વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની કિશોરીની માતા મેડિકલ સ્ટોર પર કામ માટે ગઇ હતી. કિશોરી ઘરે એકલી હતી. માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા કિશોરીને ખોટું લાગ્યું હતું. જેથી, કિશોરી ઘરેથી નીકળી ગઇ હતી. મોડીરાત સુધી કિશોરી પરત નહીં આવતા પરિવાર દ્વારા તેની શોધખોળ કરવામા આવી હતી. પરંતુ, તેનો કોઇ પત્તો લાગ્યો નહતો. તપાસ દરમિયાન એવી વિગતો જાણવા મળી હતી કે, કિશોરીને આરોપી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો અને અવાર નવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. જેના કારણે કિશોરીને ગર્ભ રહી ગયો હતો. ડી.એન.એ. રિપોર્ટ મુજબ ગર્ભમાં રહેલા બાળકના જૈવિક પિતા આરોપી જ હોવાનું સ્પષ્ટ થયું હતું. આ કેસ અદાલતમાં ચાલી ગયો હતો. સરકારી વકીલ પરેશ પટેલની રજૂઆતો અને પુરાવાઓ ધ્યાને લઇ પોક્સોના સ્પેશ્યલ જજ એમ.ડી.પાંડેય દ્વારા આરોપી યતેન્દ્રકુમાર ઉર્ફે અર્જુન મુરારીલાલ રાજપૂત (રહે. આરતી સોસાયટી, નિકોલ, અમદાવાદ, મૂળ રહે. યુ.પી.)ને કસુરવાર ઠેરવીને ૨૦ વર્ષની સખત કેદ કરવામાં આવી છે.