વડોદરા,સમા કેનાલ રોડ પર રોંગ સાઇડ બાઇક લઇને આવતા યુવક પર ડમ્પરના તોતિંગ પૈંડા ફરી વળતા ઘટના સ્થળે જ તેનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે. જે અંગે સમા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સમા કેનાલ રોડ પર અકસ્માત થયો હોવાનો મેસેજ મળતા સમા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ઓનેસ્ટ ત્રણ રસ્તાથી કેનાલ રોડ પર નિલકંઠ સોેસાયટીની સામે રોડ પર અકસ્માત થયો હતો. પોલીસે તપાસ હાથ ધરતા પ્રાથમિક વિગતો એવી મળી છે કે, બાઇક ચાલક રોંગ સાઇડ આવતો હતો. તે સમયે ડમ્પરની ટક્કર વાગતા તે રોડ પર ફંગોળાયો હતો. ડમ્પરના તોતિંગ પૈંડા તેના પર ફરી વળતા ઘટના સ્થળે જ તેનું કરૃણ મોત થયું હતું. મરનાર વ્યક્તિના ખિસ્સામાંથી મળેલા આધાર કાર્ડ પર અમિતભાઇ સરદારભાઇ મકવાણા ( રહે.દાહોદ) લખ્યું હતું. જોકે, મરનારનું નામ હજી કન્ફર્મ થયું નથી. પોલીસે બાઇકના નંબરના આધારે તેના પરિવારજનોની શોધખોળ શરૃ કરી છે. અકસ્માતના પગલે લોકોનો ટોળા ભેગા થઇ જતા ગભરાયેલો ડમ્પર ચાલક સ્થળ પર જ ડમ્પર છોડીને ભાગી ગયો હતો. જોકે, પોલીસ આવતા તે પાછો સ્થળ પર આવી ગયો હતો.