વડોદરા,તરસાલી વિસ્તારમાં ધોળે દહાડે એપાર્ટમેન્ટમાં ત્રાટકેલી ચોર ટોળકી બે મકાનને નિશાન બનાવી ૬.૧૧ લાખની મતા ચોરી ગઇ હતી. જ્યારે વડસર રોડ પરની સોસાયટીમાં પરિવારને અંદર પૂરીને બહારથી સ્ટોપર મારીને ચોર ટોળકી ત્રાટકી હતી.
તરસાલી શાક માર્કેટ પાસે મંગલદીપ ટેનામેન્ટમાંરહેતા બીનુ મોહનન ઠેક્કાટીલ જીટેક ડિસ્ટ્રિબ્યૂટરમાં નોકરી કરે છે. તેમના પત્ની શાળામાં શિક્ષિકા છે. પતિ પત્ની નોકરી પર જાય અને બાળકો સ્કૂલે જતા હોવાથી આખો દિવસ મકાનને તાળું મારેલું હોય છે. ગત તા. ૨૬ મી એ બપોરે સવા બાર વાગ્યે તેમના મકાનની સામે રહેતા અમરજીતસિંહે કોલ કરીને ક્હયું કે, અમારા ઘરે ચોરી થઇ છે. તમારા ઘરનો દરવાજો પણ ખુલ્લો છે.જેથી, બીનુ ઠેક્કાટીલ પણ ઘરે આવી ગયા હતા. તેમના ઘરના તાળા તૂટેલા હતા. તિજોરીઓ ખુલ્લી હતી અને લોકર પણ તૂટેલું હતું. ઘરમાં તપાસ કરતા ચોર ટોળકી સોનાના ૧૨૯ ગ્રામ વજનના સોનાના દાગીના કિંમત રૃપિયા ૬.૦૪ લાખ અને બગસરાના દાગીના ચોરી ગઇ હતી. જ્યારે તેમની સામે રહેતા અમરજીતસિંહના મકાનમાંથી પણ ચોર ચાર હજાર રોકડા લઇ ગયા હતા. ચોર ટોળકી કુલ ૬.૧૧ લાખની મતા લઇ ગઇ હતી.
વડસર જી.આઇ.ડી.સી.રોડ પર વસંત વિહાર સોસાયટીમાં રહેતા પ્રતિકભાઇ દિનેશભાઇ સથવારા દહેજની સ્ટલીન કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. બાજુમાં પણ તેઓનું જ મકાન છે. જે મકાન સોસાયટીમાં રહેતા ગીતાબેન પટેલને રહેવા માટે આપ્યું હતું. કારણકે, તેઓના મકાનનું રિનોવેશન ચાલતું હતું. ગઇકાલે તેઓ પરિવાર સાથે રાતે સૂઇ ગયા હતા. સવારે તેમના પત્નીએ ઉઠીને દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા દરવાજા ખૂલતો નહતો. જેથી, પાડોશીને બોલાવતા તેઓએ આવીને મકાનના દરવાજાની સ્ટોપર ખોલી હતી. તેઓના ઘરમાં બારીની ગ્રીલ તોડીને ચોર ત્રાટક્યા હતા. પરંતુ, ઘરમાં કોઇ કિંમતી સામાન નહતો. ગીતાબેન પણ ગોવા ફરવા ગયા હતા. તેમના ઘરમાં પણ ચોર ત્રાટક્યા હતા. પરંતુ, કોઇ કિંમતી સામાન નહતો. પ્રતિકભાઇ સથવારાની ફરિયાદના આધારે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.