Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના તત્કાલીન મ્યુનિ.કમિશનર દિલીપ રાણાની કમિશનર હાયર એજ્યુકેશન ગાંધીનગર ખાતે બદલી થતાં તેમના સ્થાને ઉત્તર ગુજરાત વીજ કંપનીના એમ.ડી અરુણ મહેશ બાબુની નિમણૂક વડોદરા મ્યુનિ. કમિશનર તરીકે થતા આજે તેમણે વિધિવત રીતે સવારે તેમના હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો છે. ડેપ્યુટી કમિશનર કેતન જોશી, સીટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર, આરોગ્ય અમલદાર દેવેશ પટેલ, ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારી વગેરેએ સ્વાગત કર્યું હતું. ઉપરાંત કોર્પો.ના અધિકારીઓ તથા પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હોદ્દો સંભાળ્યા બાદ તેમણે અનુપચારિક વાતચીતમાં જણાવ્યું હતું કે અગાઉના કમિશનર દિલીપ રાણાએ વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે મહેનત કરી છે તે પ્રોજેક્ટને પ્રાધાન્ય આપવામાં આવશે અને ચોમાસામાં પાણી ભરાઈ નહીં તે રીતે વિશ્વામિત્રીનું આયોજન કરાશે. તેમણે વડોદરાના વિકાસમાં પ્રજાને સાથ સહકાર આપવા અપીલ કરી હતી.
ડેપ્યુટી કમિશનર અર્પિત સાગરની બદલી થતાં તેમના સ્થાને ગંગા સિંગની નિમણૂક થઈ છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા 16 આઈએએસ અધિકારીઓની બદલીના હુકમો કર્યા હતા. જેમાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની પણ બદલી કમિશનર ઓફ હાયર એજ્યુકેશન ગાંધીનગર ખાતે કરવામાં આવી છે. જ્યારે ડે.કમિશનર અર્પિત સાગરની બદલી મહીસાગર જિલ્લાના કલેક્ટર તરીકે થતા તેમના સ્થાને ગુજરાત મેડિકલ સર્વિસ કંપનીના એમડી ગંગા સિંગની નિમણૂક કરવામાં આવી છે.