ડેસર તા.9 ડેસરમાં આવેલી સ્વણમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં સફાઈ કામ કરતી વિધવા મહિલાની છેડતી બાદ ભોગ બનેલી મહિલાના પુત્રોએ યુવકને માર મારતા આખરે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ ડેસર તાલુકાના મોટી વરણોલી ગામમાં રહેતો પ્રકાશ રમણભાઇ રોહિત ડેસરની સ્વણમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરે છે. તેની સાથે એક વિધવા મહિલા પણ સફાઇ કામ કરે છે તા.૧જાન્યુઆરીના રોજ સુપરવાઇઝરની ઓફિસની બાજુમાં આવેલી રૃમમાં મહિલા સાફસફાઈનો સામાન લેવા માટે ગઇ હતી ત્યારે પ્રકાશ રોહિતે પાછળથી આવીને વિધવાને બાહુપાશમાં જકડી તેની છેડતી કરી આબરૃ લેવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટના બાદ વિધવા અને છેડતી કરનાર પ્રકાશ રોહિત સાથે સમાધાન માટેના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતાં. દરમિયાન તા.૬ જાન્યુઆરીના રોજ વિધવાના બહારગામ નોકરી કરતા બે પુત્રો તેમજ અન્ય એક શખ્સે ભેગા મળી છેડતી કરનાર પ્રકાશ રોહિતને પ્લાસ્ટિકની પાઇપોથી માર માર્યો હતો. તા.૮ જાન્યુઆરીના રોજ રાત્રે આઠ વાગે પ્રકાશના પિતા રમણભાઇ રોહિતે પુત્ર ઉપર હુમલો કરી ઇજા પહોંચાડનાર નિલેશ, વનરાજ અને કેતન પસાભાઇ ચમાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી
આ સાથે વિધવાએ પણ તા.૧લીએ થયેલી છેડતી અંગેની ફરિયાદ પ્રકાશ રમણભાઇ રોહિત સામે નોંધાવી હતી. પોલીસે બંને ફરિયાદોના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.