Vadodara : વડોદરા શહેરમાં ઉનાળાના પ્રારંભે પીવાના પાણીનો કકળાટ શરૂ થયો છે ત્યારે કેટલાક વિસ્તારોમાં કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની લાઈનોનું ચેકિંગ હાથ ધરવામાં આવતા તેમાંથી પાણીની બોટલ તેમજ લાકડાના મોટા ટુકડા મળી આવ્યા છે તો કેટલાક વિસ્તારોમાં 25 વર્ષ બાદ પીવાનું પાણી રસોડા સુધી પહોંચતા પાણીના ફોર્સથી નળ તૂટી ગયા ના પણ કિસ્સા બન્યા છે.
વડોદરા શહેરના પાણીના મુખ્ય સ્ત્રોત ગણાતા મહીસાગર ફ્રેન્ચવેલ સિંધ રોડ પાણી પુરવઠા યોજના આજવા સરોવર તેમજ નર્મદા કેનાલમાંથી રોજ 555 એમ.એલ.ડી પાણીનો જથ્થો મળે છે તેમ છતાં વડોદરા શહેરમાંઅનેક વિસ્તારોમાં પાણી વિતરણની ખામી હોવાથી તેમજ ગેરકાયદે કનેક્શન અને મોટરો લગાવી પાણી ખેંચવાને કારણે લોકોને પૂરતો જથ્થો મળતો નથી તો કેટલીક જગ્યાએ પૂરતા પ્રેશરથી પાણી આવતું નહીં હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે જેને કારણે વડોદરામાં ટેન્કર રાજ સ્થપાયું છે.
દરમિયાનમાં વડોદરા કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગ દ્વારા જે વિસ્તારમાંથી ઓછા પ્રેશરથી પાણી મળતું હોવાની ફરિયાદો મળતી હોય ત્યારે તે લાઈનોનું ચેકિંગ કરવામાં આવતું હોય છે તેવે સમયે કેટલીક જગ્યાએ પાણીની લાઈનોમાં ભંગાણ પડ્યું હોવાનું જણાય આવે છે તો કેટલીક જગ્યાએ પાઇપલાઇન કાપીને તપાસ કરવા જતા તેમાંથી પાણીની બોટલ માટી નો રગડો, લાકડાના મોટા ટુકડા નીકળ્યા હોવાનું જાણવા મળે છે.
ખોડીયાર નગર પાસે આવેલા સુમેરુ ડુપ્લેક્સ માં પાણીની લાઈન કાપીને તપાસ કરવામાં આવતા તેમાંથી પ્લાસ્ટિકની બોટલ તેમજ લાકડાના મોટા ટુકડા અને માટીનો રગડો નીકળ્યો હતો તેની સફાઈ કરવાની સાથે જ પાણીના પ્રેશરની ફરિયાદનો નિકાલ થયો હતો.
એ જ રીતે માંજલપુર વિસ્તારમાં છેલ્લા 25 વર્ષથી સંપમાં પાણી આવતું હતું અને તે બાદ મોટર દ્વારા મકાનોની ઉપરની ટાંકીમાં ચડાવીને ઉપયોગ કરવામાં આવતો હતો તાજેતરમાં કેટલીક સોસાયટીઓના પાણીના પ્રેસરની ફરિયાદો અંગે પાણી પુરવઠા વિભાગ એ તપાસ કરતા પાણીની લાઈનો સ્ક્કાવર કરવામાં આવતા તેમાંથી માટીનો રગડો તેમજ કપચીનો જથ્થો નીકળ્યો હતો તેની સફાઈ થતાં પાણી રસોડા સુધી પહોંચ્યું હતું. જેથી પાણીના પ્રેશરથી 25 વર્ષથી પાણીનો નળ બદલ્યો ન હતો તે તૂટી ગયો હતો.