વડોદરા,સ્પામાં કામ કરતી ગર્લફ્રેન્ડ અન્ય યુવક સાથે વાતચીત કરતી હોવાનું જાણવા મળતા છંછેડાયેલા બોયફ્રેન્ડે તલવાર લઇને ગર્લફ્રેન્ડના ઘર પાસે જઇ બૂમાબૂમ કરતા પોલીસે તેને ઝડપી પાડયો હતો.
પોલીસ કંટ્રોલ રૃમને મેસેજ મળ્યો હતો કે, વારસિયા પોપ્યુલર બેકરીના ખાંચામાં એક વ્યક્તિ ઝઘડો કરે છે. જેથી, કુંભારવાડા પોલીસે સ્થળ પર જઇને તપાસ કરી તો એક વ્યક્તિ જાહેરમાં તલવાર લઇને ઉભો હતો. પોલીસને તેણે પોતાનું નામ જયદીપ કનુભાઇ રાઉલજી (રહે. ગાંધી ફળિયું, છાણી ગામ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરી તલવાર કબજે લીધી છે. પોલીસે હાથ ધરેલી પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી હતી કે, જયદીપ રાઉલજીની ગર્લફ્રેન્ડ અન્ય યુવક સાથે વાત કરતી હોવાની માહિતી તેને મળી હતી. જેથી, ઉશ્કેરાયેલો જયદીપ તલવાર લઇને વારસિયા આવ્યો હતો. તેણે ગર્લ ફ્રેન્ડના મોપેડ સાથે અકસ્માત કરી તલવાર લઇને બૂમાબૂમો કરી હતી.