વડોદરા શહેરમાં દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદ પડે છે, ત્યારે પૂર્વ વિસ્તારમાંથી શહેરમાં વરસાદી પાણી ધસી આવે છે, અને જળબંબાકાર ની પરિસ્થિતિ સર્જાય છે, હવે આવું ન થાય તે માટે પૂર્વ વિસ્તારના વરસાદી કાંસોની સફાઈની કામગીરી ચાલુ કરવામાં આવી છે. આ જુદા જુદા કાંસો એકબીજા સાથે સંકળાયેલા હોવાથી પાણી છેવટે વડોદરા શહેરમાં આવે છે. વડોદરા કોર્પોરેશનએ આ કામગીરી વુડા સાથે સંયુક્તપણે હાથ ધરી છે. આજવા ચોકડીથી આજવા તરફ જતા સિકંદરા પૂરા થી પાયોનીયર તરફના આ કાંસની કામગીરી ચાલી રહી છે. હાલ ચાર પોકલેન્ડ મશીન, બે જેસીબી મશીન, ડમ્પરો વગેરે કામે લગાડવામાં આવ્યા છે. પૂર્વ વિસ્તારની કામગીરી પૂર્ણ થતા ઓછામાં ઓછા બે મહિના થશે તેમ જાણવા મળ્યું છે. જોકે કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રીમાં પૂરના આવે તે માટે ત્રણ તબક્કામાં વરસાદી કાંસ, તળાવ અને નદીની સફાઈ ત્રણ વખત કરવા માટેનો એક્શન પ્લાન અમલમાં મૂકી દીધો છે. શહેરમાં 22થી વધુ વરસાદી કાંસની સફાઈ અને જ્યાં અવરોધ ઊભો થતો હોય તેવી જગ્યાઓ શોધીને અડચણો હટાવવામાં આવી રહી છે. આ ઉપરાંત શહેરના ત્રણ ગાયકવાડી વખતના કાંસની પણ સફાઈ કરવામાં આવનાર છે.