વડોદરા,નોકરી છોડી દેવાનું કહી પત્ની સાથે મારઝૂડ કરતા પતિ સામે પત્નીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વાઘોડિયા મેન રોડ ખટંબા ગામના બસ સ્ટેન્ડ પાસે શિવ બંગ્લોઝમાં રહેતા નીતુસીંઘ દાસ મુંબઇ ખાતે આદિત્ય બિરલા કંપનીમાં સિનિયર રિલેશનશિપ મેનેજર તરીકે નોકરી કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, જાન્યુઆરી – ૨૦૨૨ માં મારા લગ્ન દંતેશ્વર ખાતે રહેતા અભિલાષ સુધીરભાઇ દાસ સાથે થયા હતા. મારી નોકરી અમદાવાદ ખાતે બેન્કમાં લાગી હતી. મારા પતિ મને નોકરી છોડી દઇ વડોદરા શિફ્ટ થવાનું કહી ઝઘડો કરતા હતા. લગ્ન જીવન ટકી રહે તે માટે હું અમદાવાદની નોકરી છોડીને વડોદરા આવી ગઇ હતી. એક વખત હું અને મારા પતિ કારમાં બહાર જમવા માટે ગયા હતા. કોઇ વાતે મારા પતિએ ઉશ્કેરાઇને મારા હાથ પર બચકું ભરી લીધું હતું. ત્યારબાદ મારી નોકરી મુંબઇમાં લાગતા હું અને મારા પતિ મુંબઇ શિફ્ટ થઇ ગયા હતા. મારા પતિ નોકરી છોડી દેવાનું કહી મને માર મારતા હતા. અમે રાજસ્થાન ફરવા ગયા હતા ત્યારે પણ મારા પતિએ દારૃનો નશો કરીને મને માર માર્યો હતો. મારા સાસુ અને સસરા પણ મારા પતિને પ્રોત્સાહન આપતા હતા.