image : File photo
Vadodara Corporation Demolition : વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારો સહિત ઠેર ઠેરથી કાચા પાકા અને હંગામી દબાણો હટાવવાની કાર્યવાહી છેલ્લા દસ દિવસથી ચાલે છે પરંતુ આ તમામ કામગીરી બીજા દિવસથી ફારસ રૂપ બની જાય છે. પશ્ચિમ વિસ્તારમાં દાંડિયા બજાર અકોટા બ્રિજ ઉતરતા જ સંવેદનશીલ વિસ્તારમાં ફેબ્રીકેશન સહિત વેલ્ડીંગ માટેના ગેરકાયદે બનેલા અનેક શેડ પર પાલિકા તંત્રનું ફરી વળ્યું હતું. આ ઉપરાંત અનેક લારી, લોખંડના દસેક ગલ્લા તથા કાચા પાંચ પાકા શેડ દબાણ શાખાની ટીમ દ્વારા આજે તોડી પાડવામાં આવ્યા હતા ત્યારે એકત્ર થયેલા ટોળાએ ભારે રકઝક સહિત તું તું મેં મેં કરતા બંદોબસ્ત માટે અકોટા પોલીસ સ્ટેશનના સ્ટાફે મામલો સંભાળી લીધો હતો. રોડ રસ્તાના બંને સાઈડના કાચા પાકા દબાણો દૂર કરીને શેડ સહિત પતરા તથા અન્ય માલ સામાન તથા લારી લોખંડના ગલ્લા કબજે લેવાયા હતા. ત્યારબાદ અકોટા ગામમાં ઠેક ઠેકાણે બનેલા ઓટલાના દબાણો સહિત અન્ય દબાણ ઉપર ફરી વળ્યું હતું. આ વિસ્તારમાંથી કુલ ત્રણ ટ્રક જેટલો માલ સામાન કબજે લેવાયો હતો. જ્યારે બીજી બાજુ ગોરવા વિસ્તારમાં મધુનગર બ્રિજ નીચે 9 મીટરના રોડ પર બનાવવામાં આવેલી 10 ફૂટ જેટલી લોખંડની ગેરકાયદે બનાવાયેલી ફેન્સીંગ બુલડોઝરના સહારે તોડીને કબજે લેવામાં આવી હતી.
પાલિકા-પોલીસ વચ્ચે સંકલનનો અભાવ: દબાણ ટીમને બંદોબસ્ત માટે રાહ જોવી પડે છે
ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની સયાજી હોસ્પિટલમાં પોલીસની હાજરી વચ્ચે થયેલી કરતી હત્યા બાદ લોકોનું ધ્યાન ભટકાવવાના ઇરાદે પોલીસ પાલિકા તંત્ર વચ્ચે થયેલી મિટિંગમાં શહેરભરમાંથી કાચા પાકા દબાણો તોડવાની નીતિ નક્કી થઈ હતી. દબાણો દૂર કરવામાં કાયદો વ્યવસ્થા જાળવવાના ઇરાદે દબાણ ટીમ સાથે પોલીસ બંદોબસ્ત રાખવાનું પણ નક્કી થયું હતું. આમ છતાં પાલિકાની દબાણ શાખાની ટીમને જે વિસ્તારમાં દબાણો હટાવવાના હોય ત્યાંના પોલીસ સ્ટેશનમાં વહેલી સવારથી જ દબાણ ટીમને બંદોબસ્ત માટે જવાબદાર અધિકારી સમક્ષ બંદોબસ્ત અંગે માગણી માટે ઊભા રહેવું પડે છે. જો આ અંગે પોલીસ અને પાલિકા વચ્ચે સંકલન કરવામાં આવે તો સવારે તાત્કાલિક ધોરણે ધોરણે દબાણ હટાવ કામગીરી શરૂ થઈ શકે.