Vadodara : મિલ્કત બારોબાર વેચાણ મામલે હરીશ ચોકસીની સગા ત્રણ ભાઈ અને ભત્રીજા તથા વહુ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ બાદ આજરોજ સામાપક્ષના ત્રણ ભાઈઓએ પત્રકાર પરિષદ યોજી વડોદરા પોલીસ પ્રશાસન ઉપર રાજકીય વગના ઇશારે તપાસમાં ભીનું સંકેલવા સાથે એક તરફી કાર્યવાહીના ગંભીર આક્ષેપો કરતા હવે ચોકસી પરિવારનો કરોડો રૂપિયાનો વિવાદ વધુ વકર્યો છે.
પત્રકાર પરિષદમાં રમાકાંત ચોકસી, અશ્વિન ચોકસી તથા એડવોકેટ અને સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, અકોટા પોલીસ મથકે હરીશ ચોકસીએ ત્રણ ભાઈ, ભત્રીજા અને વહુ વિરુદ્ધ જે છેતરપિંડીની ફરિયાદ આપી છે, તેમાં હરીશ ચોકસીએ અકોટા પોલીસને અંધારામાં રાખી ગોત્રી પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદની હકીકતો જણાવી નથી. અને14 વર્ષ પછી રાજકીય વગના જોરે પોલીસ મશીનરીનો ઉપયોગ કરી પોલીસે ફરિયાદ નોંધવામાં ઉતાવળ દાખવી હોય સમગ્ર ફરિયાદ શંકાના દાયરામાં આવે છે. ગોત્રી પોલીસ મથકે રમાકાંત ચોકસીની હરીશ ચોકસી વિરુદ્ધ નોંધાયેલ ફરિયાદમાં પોલીસે સાક્ષીઓના નિવેદન નોંધવાની તસ્દી પણ લીધી નથી. અને આરોપીઓની ધરપકડ ન કરી તપાસ વગર જ પોલીસે કોઈ કારણોસર સી-સમરી ભરતા રમાકાંત ચોક્સીએ વાંધો ઉઠાવી રાજ્ય ગૃહ મંત્રાલયમાં લેખિત રજૂઆત કરતા વર્ષ 2019માં ફર્ધર ઇન્વેસ્ટિગેશનની ફાઈલ મેળવી 2022થી હુકમના આધારે ગોત્રી પોલીસ તપાસ કરી રહી છે. જેથી ગોત્રી પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદમાં હરીશ ચોકસી આરોપી હોવા છતાં તેને ફરિયાદી બનાવવાની પોલીસની નીતિને વખોડીએ છીએ. દુકાન નં. 15 અને 16નો દસ્તાવેજ ચારેય ભાઈઓની સહમતીથી થયો હોય મિલ્કત વિભાજિત થઈ નથી. વર્ષ 2007માં મિલ્કત બેંકમાં મૂકી લોન કરી હતી, અને ચાર ભાઈ તથા ત્રણ બહેનની સંમતિથી બેંકએ ટાઈટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ ઇસ્યુ કર્યું હતું. મિલ્કત મામલે હરિશ ચોકસી નામદાર કોર્ટ સમક્ષ જવાબ પણ રજૂ કરી શક્યા નથી. આ ઉપરાંત તે સમયે 7 કરોડની કિંમતનું સોનું સગેવગે થયું હોય હજુ સુધી તેનો કોઈ અતોપતો નથી. અકોટા પોલીસ મથકે હરીશ ચોકસીએ નોંધાવેલી ફરિયાદનું મૂળ કારણ સિવિલ કોર્ટના દાવાથી બચાવનો છે. જેથી હરીશ ચોકસીની ફરિયાદ રદ થાય તેવા પ્રયાસ કરીશું. ઉલ્લેખનીય છે કે, અકોટા પોલીસ મથકે નોંધાયેલ છેતરપિંડીના ગુનામાં અશ્વિન ચોકસી ,નરેન્દ્ર ચોકસી , રમાંકાંત ચોકસી, રમાંકાંત ચોક્સીના પૂત્ર રવિ ચોકસી અને વહુ તોષા ચોકસીની આગોતરા જામીન અરજી કોર્ટે મંજૂર કરી છે.
હરીશનો આક્ષેપ : ત્રણ સગા ભાઈઓએ ભેગા મળી બે દુકાનો વેચી મારી છે
હરીશ અંબાલાલ ચોકસીએ અકોટા પોલીસ સ્ટેશને તેમના સગા ભાઈ અશ્વિન ચોકસી ,નરેન્દ્ર ચોકસી , રમાંકાંત ચોકસી, રમાંકાંત ચોક્સીના પૂત્ર રવિ ચોકસી અને વહુ તોષા ચોકસી વિરૂદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ 1988 માં તેમના અશ્વિન અને નરેન્દ્રએ મળીને રે. સ. નં. 548, 550 માં આવેલ આનંદ નગર સોસાયટીના પ્લોટ નંબર 04 અને 05માં આવેલ અવંતી ચેમ્બર્સના ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન નંબર 15 વાળી મિલકત ખરીદી હતી. જેમાં તે બંને ભાઈઓની 50 -50 ટકા ભાગીદારી હતી. અશ્વિન ચોકસીએ પોતાના હિસ્સે આવતી 50 ટકા માલિકી વાળી દુકાન નંબર 15ની મિલકત વર્ષ 1996માં પિતા અંબાલાલ ચોકસીને વેચાણ કરી હતી. 2011માં આ મિલકત નરેન્દ્ર ચોકસી અને અશ્વિન ચોકસીએ મળી રમાકાંત ચોકસીના દીકરા રવિ ચોકસી અને રવિ ચોકસીની પત્ની તોષા ચોકસીને રૂ.12.50 લાખમાં વેચાણ કરી હતી. આમ વારસાઇ હકની મિલકત વર્ષ 1996માં વેચાણ કરી હોવા છતાં અશ્વિન ચોકસીએ વર્ષ 2011માં નરેન્દ્ર ચોકસી સાથે મળી અશ્વિનના ભત્રીજા અને ભત્રીજાની પત્ની વેચાણ કરી અવેજની રકમ મેળવી છે. જ્યારે પિતા અંબાલાલ ચોકસીનું વર્ષ 1998 માં નિધન થયું છે.
રમાકાંત ચોકસીની સગા ભાઈ હરીશ અને ભત્રીજા સામે ફરિયાદ
વર્ષ 2019 માં રમાકાંત ચોકસીએ તેના સગા ભાઈ હરીશ ચોકસી, હરીશ ચોકસીના પુત્ર ધનંજય ચોકસી અને મિતેશ ચોક્સી તેમજ ધનંજયના પત્ની દીપા ચોકસી વિરુદ્ધ ગોત્રી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ 2013માં શોરૂમ બંધ થતા તે સમયે 30 હજારના ભાવનું 7 કરોડનું સોનુ પાછલા દરવાજેથી સગેવગે કર્યું છે. જેના પુરાવા રૂપે સીસીટીવી ફૂટેજ છે. વર્ષ 2018માં આરસી દત્ત રોડ પર આવેલ નારાયણ જ્વેલર્સની રે. સ. નં. 539/2 તથા સીટી સર્વે નંબર 2159 વાળી મિલકતના બાંધકામ માટેની પાવર ઓફ એટર્નીની સત્તા હોય વેચાણની સત્તા ન હોવા છતાં ખોટી રીતે રૂ.20 કરોડની મિલકત હરીશ ચોકસીએ પોતાના પુત્ર ધનંજય ચોકસીના નામે માત્ર રૂ.1.70 કરોડમાં ટ્રાન્સફર કરી આ ષડયંત્રમાં સાક્ષી તરીકે દીપા ચોકસી અને મિતેશ ચોક્સીને રાખ્યા હતા. આમ, સીટી સર્વે કચેરીમાં ખોટી હકીકત જાહેર કરી, વેચાણ કરી, ખોટો દસ્તાવેજ ઊભો કરી, મિલકતમાં ગેરકાયદેસર ઘુસી જઇ છેતરપિંડી અને મિલકત પચાવી પાડવાનો ગુનો કર્યો છે.
ડીસીપી કહે છે : મને આક્ષેપોને ખબર નથી
પોલીસ પ્રશાસન ઉપર રાજકીય દબાણને વશ થઈ કાર્યવાહીના ગંભીર આક્ષેપો મામલે ડીસીપી ઝોન -2 અભય સોનીનો ટેલીફોનિક સંપર્ક સાંધતા તેમનું કહેવું છે કે, મુખ્યમંત્રીના બંદોબસ્તમાં હોવાથી આક્ષેપ મામલે મને હજુ મને માહિતી મળી નથી.
કરોડોની મિલકત માટેના પારિવારિક વિવાદમાં સમાધાનનો પ્રયાસ નિષ્ફળ
અશ્વિન ચોકસીનું કહેવું છે કે, ચોકસી પરિવારના આ વિવાદનો ઘરમેળે બેસીને નિવેડો લાવવા પ્રયાસ કર્યો હતો, વર્ષ 2019 માં અમદાવાદ ખાતે મીડિયેશનની કાર્યવાહીમાં તબક્કાવાર બેઠકોનો દોર ચાલ્યા બાદ સમાજના આગેવાનોના કહેવા છતાં હરીશભાઈ ન સમજતા મીડિએશન નો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. જ્યારે સામાન પક્ષે ધનંજય ચોકસીનું કહેવું છે કે, સુપ્રીમ કોર્ટમાં મારા પિતા હરીશ ચોક્સીએ દાવામાં રાહત મેળવવા દાદ માંગી હતી, જેથી કોર્ટે મીડિયેશનનો પ્રસ્તાવ રજૂ કરતા અમે સ્વીકાર્યો હતો. અને એડવોકેટ સ્વ.સુરેશ સેલરને બંને પક્ષને સાંભળી સમાધાન અંગેનો હુકમ કર્યો હતો. જેમાં સામા પક્ષ તરફથી નિયમિત કોઈ હાજર ન રહી સમાધાનમાં સહકાર ન આપતા આશરે ત્રણ મહિના બાદ સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ સબમીટ કર્યો હતો.