Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી સ્થાયી સમિતિમાં છાણી વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ વધતા રોડ પહોળો કરીને 18 મીટરનો કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. નવાપુરા ચાર રસ્તાથી જૂની પાણીની ટાંકી તરફ વણકરવાસ એસટીપી સુધી આ રોડ પર ટ્રાફિક ખૂબ રહે છે. છાણીથી દુમાડ અને છાણીથી સોખડા જવા માટે રોડ પહોળો થતાં ટ્રાફિકને સરળતા રહેશે. હાલમાં રોડ 10 મીટર હોવાથી ટ્રાફિકની સમસ્યા રહે છે. વોર્ડ નંબર એકના કોંગ્રેસના કોર્પોરેટરના કહેવા મુજબ ટ્રાફિકની આ સમસ્યા હોવાથી અગાઉ અધિકારીઓને સ્થળ પર બોલાવીને રોડ પહોળો કરવા માટેનું સૂચન કરવામાં આવ્યું હતું.
છાણી વિસ્તારમાં હાલ વિકાસ વધી રહ્યો છે અને વિસ્તારમાં નવા બાંધકામ વધી રહ્યા છે. 18 મીટરની રોડ લાઈનને ધ્યાનમાં રાખીને હવે બાંધકામો માટે રજા ચિઠ્ઠી પણ આપી શકાશે. સ્થાયી સમિતિની દરખાસ્તમાં જણાવ્યું હતું કે છાણી ગામતળના સીટી સર્વે.નં. 749 થી ઉત્તરે પમ્પીંગ સ્ટેશન સુધી ટ્રાફિકના વધતા જતા ભારણ અને રસ્તાની પહોળાઇમાં એકસુત્રતા જળવાઇ રહે તે માટે રોડની કામગીરી કરવી જરૂરી છે.
સ્થાનિક સભાસદ ધ્વારા રસ્તા માટે મૌખિક સૂચન કરવામાં આવ્યું હતું. 18 મીટરની રોડ લાઈન માટે જી.પી.એમ.સી. એક્ટ 1949 ની કલમ 210(1) હેઠળ રસ્તા માટેનું આયોજન કરેલ હતું. આ રોડ લાઈન માટે અગાઉ જાહેર સુચના આપી લોકોના વાંધા સુચનો મંગાવતાં એક માસની મુદ્દત દરમ્યાન કોઈ વાંધા સૂચન આવ્યા ન હતા. જેથી સ્થાયી સમિતિમાં દરખાસ્ત મંજૂર કરીને સમગ્ર સભામાં મંજુરી મેળવવામાં આવશે.