વડોદરા,આકાશમાં અગનગોળા વરસાવતી ગરમીની વચ્ચે ફૂટપાથ પર રહેતા બે વ્યકિતઓના મોત નિપજ્યા છે. બંનેના મોત ગરમીના કારણે થયા હોવાનું અનુમાન છે.
આજે બપોરે એક મહિલા મોપેડ લઇને કુબેરભવન નજીક બી.એસ.એન.એલ. ત્રણ રસ્તા પાસેથી પસાર થતી હતી. તેની નજર ફૂટપાથ પર કમરમાંથી બેવડ વળેલા વ્યક્તિ પર પડી હતી. તેણે નજીક જઇને જોયું તો વ્યક્તિ કોઇ હલન ચલન કરી શકતો નહતો.જેથી, એમ્બ્યુલન્સને કોલ કરીને બોલાવી હતી. આજુબાજુના લોકોએ જણાવ્યું હતું કે, આ વ્યક્તિ છેલ્લા બે દિવસથી આ રીતે જ ફૂટપાથ પર પડી રહ્યો હતો. એમ્બ્યુલન્સના એટન્ડન્ટે તેનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. રાવપુરા પોલીસે મૃતકની ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યા છે.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ ૮ મી તારીખે કડક બજાર થી અલકાપુરી ગરનાળા તરફ જવાના રસ્તા પરના ફૂટપાથ પર ૫૪ વર્ષના પ્રૌઢનું પણ મોત થયું હતું.