Vadodara Fraud Case : વર્ષ 2022માં ફરજ બજાવતા પાદરાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના શાખા મેનેજર દ્વારા દસ્તાવેજોની ચકાસણી વગર લોન પાસ કરી બેન્કને આર્થિક રીતે નુકસાન પહોંચાડી પોતાના ખિસ્સા ભર્યા હોવાથી ચોથી ફરિયાદ નોંધાવાઈ છે. જેમાં વડોદરાના બિલ્ડર દંપતીને પ્લોટ ખરીદી બિલ્ડીંગ બાંધવા માટે બે અલગ અલગ મળી કુલ 63 લાખની લોન પાસ કરી હતી. બિલ્ડરે કોઈ જ કાર્યવાહી નહીં કરી બેંક ને નુકસાન પહોંચાડ્યું હતું. આ લોનમાં વેલ્યુઅરે એસેટનું ખોટું મૂલ્યાંકન કર્યું હતું. બેંક ઇન્સ્પેક્શનમાં આ વાત બહાર આવતા વડોદરાના બિલ્ડર દંપતી, તત્કાલીન બેંક મેનેજર અને બેંક વેલ્યુઅર મળી ચાર સામે ફરિયાદ નોંધાવાઈ છે.
મળતી માહિતી મુજબ શહેરના ન્યુ વીઆઇપી રોડ પર વૈકુંઠ-2 માં રહેતા અને પાદરા સ્ટેટસ બેંક ઓફ ઇન્ડિયાની ચોકસી બજાર શાખામાં મેનેજર તરીકે ફરજ બજાવતા 47 વર્ષના દિલીપકુમાર બાબરભાઈ બામણિયાએ પાદરા પોલીસ મથકમાં ચોથી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ વર્ષ 2022 ના જૂનવાસની 14 મી તારીખે મૂળ સાબરકાંઠા જિલ્લાના વતની અને હાલ વડોદરા સમા રોડ નવરચના સ્કૂલ સામે આવેલા નિસર્ગ બંગલોમાં રહેતા અને રુદ્રાક્ષ ડેવલોપર અને ધ્રુવીત ડેવલોપર નામથી બિલ્ડીંગનો વ્યવસાય કરતા પુનમબેન વિનોદભાઈ ઠક્કર અને વિનોદકુમાર સેવકરામ ઠક્કરે બેંકની શાખામાંથી રૂ.33,50,000 તથા રૂ.29,50,000ની મળી કુલ રૂ.63,00,000ની બે લોન પ્લોટ ખરીદવા માટે લીધી હતી. બાદ તેની પર કોઈ પણ જાતનું બાંધકામ કર્યું ન હતું અને મિલકત મોર્ગેજ પણ આપી ન હતી અને બેંકને નુકસાન કર્યું હતું. આ લોન માટે બેંક ઓથોરિટી દ્વારા તપાસણી દરમિયાન એ વાત બહાર આવી હતી કે લોન લેતી વખતે જે દસ્તાવેજ આપ્યા હતા તેને તત્કાલીન મેનેજર સુનિલકુમાર જે સિંહાએ કોઈપણ જાતની તપાસની વગર કે ઇન્સ્પેક્શન કર્યા વગર બેન્ક લોન મંજૂર કરી દીધી હતી. આ બાબતે બેંકના પેનલ મજુન આર વિમળાલાલને જાણ હોવા છતાં તે બિલ્ડર સાથે મળી ગયા હતા અને માર્કેટ ભાવથી વધુનો વેલ્યુએશન રિપોર્ટ આપી બિલ્ડરોને મદદ કરી હતી. તેથી બિલ્ડર દંપતી, તત્કાલીન બેંક મેનેજર અને વેલ્યુઅર મળી ચારેય સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
નોંધનીય છે કે તત્કાલીન પૂર્વ મેનેજર સામે વધુ એક મળી ચાર ફરિયાદ છેતરપિંડીની નોંધાઇ છે. તેથી પાદરા સ્ટેટ બેંક છેતરપિંડીની એપી સેન્ટર હોવાનું ફલિત થવા માંડ્યું છે.