વડોદરાઃ વડોદરાના યુવક સાથે ઇન્વેસ્ટમેન્ટના નામે રૃપિયા પડાવવાનું ઓનલાઇન ઠગોને ભારે પડયું છે અને પોલીસે દિલ્હીની ગેંગના ચાર સાગરીતોને દબોચી લીધા છે.જ્યારે ગેંગ ઓપરેટ કરતો સૂત્રધાર ફરાર થઇ જતાં તેની શોધખોળ હાથ ધરાઇ છે.
હરણીરોડના વિજયનગરમાં રહેતા સ્મિત જોષી નામના યુવકને સોશ્યલ મીડિયાના ગુ્રપમાં જોઇન કરી ઇન્વેસ્ટમેન્ટમાં શરૃઆતમાં ફાયદો કરાવી ૫૦૦ ટકા પ્રોફિટ અપાવવાની લાલચમાં ફસાવનાર ઠગોએ રૃ.૧૩.૭૦ લાખ પડાવી લીધા હતા.જેથી સાયબર સેલના પીઆઇ જે ડી પરમાર અને ટીમે મોબાઇલ અને બેન્ક ડીટેલ મેળવી તપાસ કરતાં પગેરું દિલ્હી પહોંચ્યું હતું.
સાયબર સેલની એક ટીમે દસ દિવસ સુધી દિલ્હીના ગીચ વિસ્તાર પ્રિતમપુરામાં ધામો નાંખ્યો હતો અને ટેકનિકલ સર્વેલન્સને આધારે એક ઓફિસમાંથી ચાર પગારદારોને ઝડપી પાડયા હતા.જેમાં અર્પિત વિજય ચૌધરી, દિપક નરેશભાઇ ઠાકુર(બંને રહે.ઉત્તમનગર, દિલ્હી),મોહિત તેજપાલસિંહ મદ્યાન (નજફગઢ,દિલ્હી) અને રાહુલ રાજેશભાઇ દલાલ(બહાદૂરગઢ,હરિયાણા)નો સમાવેશ થાય છે.
ચારેય યુવકોની પૂછપરછ કરતાં તેઓ મોબાઇલ ઓપરેટ કરતા હોવાની વિગતો ખૂલી હતી.જેથી પોલીસે સૂત્રધારને શોધવા દિલ્હી પોલીસની મદદ લીધી છે.
દિલ્હીની ઠગ ટોળકીએ અનેક રાજ્યોમાં લોકોને ફસાવ્યા,જુદાજુદા શહેરોમાં 76 ફરિયાદ
5.50 લાખ રોકડા,24 ચેકબૂક,5 લેપટોપ,24 મોબાઇલ અને 11કંપનીઓના સ્ટેમ્પ કબજે
વડોદરા સાયબર સેલની ટીમે દિલ્હીમાં ઠગોની ઓફિસમાં દરોડો પાડતાં તેઓ ચોંકી ઉઠયા હતા.પોલીસે ચાર જણાને ઝડપી પાડતાં તેઓ ૨૫ થી ૩૦ હજારના પગારદાર હોવાનું ખૂલ્યું હતું.પોલીસે ઓફિસમાં સર્ચ કરી ૫.૫૦ લાખની રોકડ કબજે કરી હતી.
આ ઉપરાંત ઠગો દ્વારા શ્યામ ટ્રેડર્સ જેવી જુદાજુદા નામોની કંપનીઓના ૧૧ સ્ટેમ્પ પણ મળ્યા હતા.જેથી ઠગાઇનો આંકડો ઘણો મોટો નીકળશે.આ ઉપરાંત પોલીસે ૨૪ ચેકબૂક,૫ લેપટોપ,૨૪ મોબાઇલ અને ડેબિટ કાર્ડ્સ કબજે કર્યા હતા.
નોકરી કરતા યુવકોને નામ બદલીને વાત કરાવતા હતા
ઓનલાઇન ઠગાઇ કરતી ગેંગના સૂત્રધાર દ્વારા ઇન્વેસ્ટમેન્ટના નામે લોકોને ફસાવવા માટે મોબાઇલ પર વાત કરવા પગાર દાર માણસોને ટ્રેનિંગ આપવામાં આવતી હતી.આ માણસોને તેમનું અસલ નામ જાહેર નહિ કરવા અને બીજું નામ ધારણ કરી વાત કરવા કહેવાતું હતું.
વડોદરાના યુવકને 2 લાખ પરત કરતાં ઠગો ફસાયા
વડોદરાના યુવક સાથે ઠગાઇ કરનાર ટોળકીએ તેને વિશ્વાસમાં લેવા માટે રૃ.૨ લાખ જેટલી રકમ પરત કરી હતી.જેથી જે બેન્ક એકાઉન્ટમાંથી રકમ પરત આવી હતી તેની સાયબર સેલે માહિતી મેળવી તેમાં જોઇન કરેલા મોબાઇલ નંબરનું સર્વેલન્સ કરી ઠગોનું નેટવર્ક શોધી કાઢ્યું હતું.