વડોદરા, તા.7 વડોદરાના કુબેર ભવનમાં આવેલી પેન્શન કચેરીમાં તબીબી સારવાર નાણાં મજરે મેળવવાના ફોર્મ માટે સિનિયર સિટિઝનોને ધક્કા ખવડાવ્યા બાદ આ ફોર્મ સરકાર આપતી નથી તેમ કહી સ્ટેશનરી દુકાનમાંથી ખરીદો તેમ કહી દેવામાં આવતા સિનિયર સિટિઝનોમાં રોષ ફેલાયો છે.
આ અંગેની વિગત એવી છે કે કુબેર ભવનના ગ્રાઉન્ડ ફ્લોર પર પેન્શન કચેરી આવેલી છે. આ કચેરીમાં નાની મોટી બાબતોમાં સિનિયર સિટિઝનોને મુશ્કેલીનો સામનો તો કરવો પડતો હોય છે પરંતુ તબીબી સારવાર માટેના ફોર્મ માટે પણ હેરાનગતિ કરાતી હોવાનું જાણવા મળ્યું છે. તાજેતરમાં એક સિનિયર સિટિઝન તબીબી સારવાર માટેનું ફોર્મ લેવા પેન્શન કચેરીએ ગયો ત્યારે કચેરીમાંથી કાલે આવજો તેમ કહેવામાં આવ્યું હતું.
બીજા દિવસે સિનિયર સિટિઝન ફરીથી ગયા ત્યારે પણ વાયદો બતાવ્યો હતો. ત્રીજા દિવસે પણ સિનિયર સિટિઝન ગયા ત્યારે ત્યાં હાજર લાકડાવાલા અટક ધરાવતા કર્મચારીએ ઉધ્ધત જવાબો આપવાનું ચાલુ કર્યું હતું. શરૃઆતમાં ફોર્મ નથી અને પછી અમે ફોર્મ રાખતા નથી સરકારે ફોર્મ આપવાની ના પાડી છે તેવા જવાબો આપ્યા હતાં. છેલ્લે એમ કહી દીધું કે જૂની આરાધના ટોકિઝ પાસેની સ્ટેશનરી દુકાનમાંથી ફોર્મ મળી જશે.
સિનિયર સિટિઝને અડધો કિ.મી. દૂર આવેલી સ્ટેશનરીની દુકાને જવું પડયું હતું અને જે ફોર્મ સરકારી કચેરીમાંથી મફત મળવું જોઇએ તેના બદલે રૃા.૨૦ ચૂકવીને ફોર્મ લીધું હતું. સિનિયર સિટિઝનો દ્વારા એવા પ્રશ્ન કરવામાં આવ્યા હતાં કે જો ફોર્મ માટે જ ધક્કા ખવડાવતા હોય તો જ્યારે તબીબી ખર્ચની રકમ મંજૂર કરવાની થાય ત્યારે કેટલી હેરાનગતિ સહન કરવી પડે. મહત્વની બાબત એ છે કે સ્ટેશનરીની દુકાનવાળાએ પણ માનવતા ગુમાવી હતી અને ઝેરોક્સ કાઢવાની પણ સ્પષ્ટ ના પાડી પેન્શન કચેરીના કર્મચારીના આશિર્વાદથી માત્ર ત્રણ પેજના રૃા.૨૦ ધરાર પડાવી લીધા હતાં.