Vadodara Corporation : વડોદરામાં મહી નદીના ફાજલપુર કુવાની શહેર તરફ આવતી 30 ઇંચ ડાયામીટરની વર્ષો જૂની લાઈનમાં છેલ્લા બે મહિનાથી લીકેજ હોવાથી લાખો લિટર પાણી નકામું ગટરમાં વહી ગયું છે. આ લીકેજ રીપેર કરવા માટે મંગળવારે શટ ડાઉન લેવામાં આવશે. વોર્ડ નંબર એકના કોંગ્રેસના સિનિયર મહિલા કોર્પોરેટરના કહેવા મુજબ બે મહિના અગાઉ કોર્પોરેશનમાં આ લીકેજ સંદર્ભે ધ્યાન દોરવામાં આવ્યું હતું.
સમગ્ર સભામાં રજૂઆત પણ કરી હતી કે ભૂખી કાંસમાંથી પસાર થતી વરસાદી લાઈન વર્ષો જૂની હોવાથી જર્જરિત થવાથી તેમાં લીકેજના કારણે પાણી વેડફાઈ રહ્યું છે .આ લાઈન 24 કલાકની હોવાથી સતત પાણી ભારે ફોર્સથી તેમાં ચાલુ જ રહેતું હોય છે. જુના એસટી ડેપો સામે યસ બેન્કની બાજુમાં ભૂખી કાંસમાંથી પસાર થતી લાઈનમાં મોટું લીકેજ છે. બાજુમાં ઊભા રહેતા લારીવાળાઓ પણ અવારનવાર રજૂઆતો કરતા રહ્યા છે કે નીચેથી પુષ્કળ પાણી વહી રહ્યું છે, ભૂખી કાંસમાં શુદ્ધ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. બીજી બાજુ લોકોને પૂરતું પાણી પણ મળતું નથી. વર્ષ 2015માં કાંસ ઉપર સ્લેબ બાંધી દેવામાં આવ્યો એ પછી અંદર પાણીની લાઈન ઢંકાઈ જતા અસંખ્ય સ્થળે આવા લીકેજીસ હશે. હજુ થોડા મહિનાઓ પહેલા ફતેગંજ બ્રિજ પાસે જે મોટું લીકેજ થયું હતું તે આજ લાઈનનું હતું. જો બે મહિના પહેલા ફોલ્ટ શોધીને રીપેર કરી દીધું હોત તો લાખો લીટર પાણી નકામું વહી ગયું ન હોત. મહિલા કોર્પોરેટરના કહેવા મુજબ ફાજલપુરની લાઈન ઇન્ટરકનેક્ટ કરવાથી આ લાઈનમાં પાણી સતત ચાલુ રહેતું હોવાથી લાઈન બંધ કરી રીપેર કરવું પડશે. મંગળવારે ફાજલપુર લાઇન આધારિત સમા, છાણી, છાણી જકાતનાકા, પૂનમ નગર, ટીપી 13, કારેલીબાગ, હરણી તથા પશ્ચિમના ઘણા વિસ્તારોમાં શટડાઉનના લીધે પાણીની આશરે પાંચ લાખ લોકોને તકલીફ પડશે.