બુધવાર તા.27 વડોદરાના અગોરા સિટી સેન્ટર મોલના ૭૧૧.૨૦ કરોડના બાકી લેણાની વસૂલાત માટે એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ દ્વારા તાજેતરમાં હરાજી પ્રક્રિયા હાથ ધરી હતી. હરાજી બાદ એલઆઈસીને ૭૧૧.૨૦ કરોડના બાકી લેણા સામે માત્ર રૃા. ૨૫૦ કરોડ જ મળશે.
બહુચર્ચિત અગોરા સિટી સેન્ટર મોલ પ્રોજેકટનું એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ દ્વારા નાણાં ધીરવામાં આવ્યા હતા અને અગોરા મોલના માલિક નાણાંકિય ભીડમાં મૂકાઈ જતાં ૭૧૧.૨૦ કરોડનું લેણું બાકી નીકળતું હતું.
જેથી અમદાવાદ સ્થિત માનવ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પેટા કંપની બાલાજી કન્સ્ટ્રકશન -વડોદરાના સૌથી મોટા પૈકીના એક આ અગોરા મોલનું એલઆઈસી હાઉસિંગ દ્વારા તા. ૬ ના રોજ ઈ-ઓકશન રાખ્યું હતું.
એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ દ્વારા નેશનલ સ્ટોક એક્સચેન્જ -મુંબઈ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જને તા. ૭ના રોજ પત્ર લખીને જણાવ્યું છેં કે, હરાજીની પ્રક્રિયા બાદ મેસર્સ માનવ ઈન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડને સીએફએમ એસેટ રિકન્સ્ટ્રકશન પ્રાઈવેટ લિમિટેડને હસ્તાંતરિત કરી દેવામાં આવી છે.
જેના બદલામાં એલઆઈસીને ૨૫૦ કરોડ મળશે. એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ વિગેરેએ ૨૦૧૭માં ૪૦૧.૭૦ કરોડની લોન માનવ ઈન્ફ્રાસ્ટ્રકચરને આપી હતી. આમ એલઆઈસીને મુદ્દલમાં જ ૧૫૦ કરોડનો ફટકો પડયો છે અને ૨૦૧૭ થી ૪૦૧ કરોડ પર અત્યાર સુધીનું વ્યાજ તો લટકામાં ગણાશે.